દેશમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયેલો છે. આ પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા સક્રિય પગલાં લેવામાં આવી રહ્યા છે. સીએસસી લુણીધાર ખાતે ફરજ બજાવતા જાવેદભાઈ મુલતાની અને તેમની ટીમે ચાંદીપુરા વાયરસને અટકાવવા માટે વિશેષ અભિયાન હાથ ધર્યું છે. સીડીએસઓ ડાજ અને તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન હેઠળ, આ ટીમે લુણીધાર અને જીથુડી ગામમાં વ્યાપક સ્તરે મેલેથીઓન પાવડરનું ડસ્ટિંગ કર્યું છે. લુણીધાર ગામમાં ૬૫ જેટલા કાચા મકાનોમાં અને જીથુડી ગામમાં ૩૫ જેટલા કાચા મકાનોમાં આ ડસ્ટિંગ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. મેલેથીઓન પાવડર એક કીટનાશક છે જે ચાંદીપુરા વાયરસના વાહક કીટકોને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે.