ફરી એક વાર અમદાવાદ શહેર પોલીસની સુરક્ષાની વાતો પર સવાલ ઉભા થયા છે. ચાંદખેડામાં મુખ્ય રોડ પરના જવેલર્સમાં ચોરીની ઘટના બની છે. જવેલર્સ શોપમાં લોખંડની જાળી હોવાથી તસ્કરો બાજુની દુકાનમાં ગયા અને બાકોરું પાડી ૨૫ લાખથી વધુના દાગીના ચોરી ફરાર થઈ ગયા છે. શહેરમાં લૂંટ, ચોરી, મર્ડરની ઘટનાઓ વધવાથી ફરી એક વાર પોલીસની કામગીરી પર સવાલ ઉભા થઇ રહ્યા છે કે આખરે ઊંઘતી પોલીસ ક્યારે જાગશે?
ચાંદખેડામાં બે દુકાનના તાળા તૂટ્યા છે અને ૨૫ લાખથી વધુની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. ચાંદખેડાના આઈઓસી રોડ પર આવેલ કોમ્પ્લેક્સમાં મોડી રાત્રે ચોરીની ઘટના બની છે. સવારે પૂજાપાની દુકાનના માલિક આવ્યા તો બધું વેરણ છેરણ પડ્યું હતું. જેથી દુકાનમાં તપાસ કરતા દીવાલમાં બાકોરું હતું. જેથી બાજુમાં આવેલા રાજ જવેલર્સના માલિકને તેઓએ ફોન કર્યો હતો. ફોન કરતા જ માલિક આવ્યા અને જાયું તો દીવાલમાં પાડેલા બાકોરામાંથી તસ્કરો આવ્યા અને ડિસ્પ્લેમાં રાખેલા તમામ સોના ચાંદીના દાગીના સહિતની મતા ચોરી ગયા હતા.
હાલ પૂજાપાની દુકાનમાંથી વીસેક હજાર અને જવેલર્સ શોપમાંથી ૨૫ લાખની ચોરી થઈ હોવાનું મનાય
રહ્યું છે. પોલીસે બન્ને જગ્યાઓ પર તપાસ કરી તો સામે આવ્યું કે પહેલા તસ્કરોએ પૂજાપાની દુકાનમાં નાનું બાકોરું પાડયું પણ ઇલેક્ટ્રિક બોર્ડ નડતા બીજું બાકોરું પાડ્યું અને ચોરીને અંજામ આપ્યો હતો.
તસ્કરો સીસીટીવીનું ડીવીઆર પણ લઈ ગયા અને તેના લીધે જ હવે પોલીસને ચોર સુધી પહોંચવા આકાશ પાતાળ એક કરવું પડશે. હાલ ફિંગરપ્રિન્ટ અને ડોગ સ્ક્વોડથી તપાસ શરૂ કરાઇ છે. દિવાળીની આસપાસના સમયથી જ જાણે પોલીસની દશા બેઠી છે. એક બાદ એક હત્યા, લૂંટ અને ચોરી જેવા ગંભીર બનાવો બની રહ્યા છે. ત્યારે ૨૫ લાખથી વધુની ચોરીની આ ઘટનામાં તસ્કરો સુધી પોલીસ કેટલા સમયમાં પહોંચી શકે છે તે જાવું રહ્યું.
બીજી તરફ અમદાવાદનાં નરોડા વિસ્તારમાં જ્વેલર્સ માલિકના કરોડો રૂપિયાનાં સોનાનાં દાગીના લઈને પલાયન થઈ જનાર કર્મચારીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપી પાસેથી પોલીસે ૨ કિલો ૭૧૯ ગ્રામ સોનું કબ્જે કર્યું છે. માણેક ચોકમાં જવેલર્સની દુકાન ધરાવતા મુકેશભાઈ ઘાંચી ૧૬ મી ઓકટોબરે અલગ અલગ ડિઝાઇનનાં ૪ કિલો ૬૨૫ ગ્રામ સોનાનાં દાગીના ભરેલ બેગ લઈને તેમની દુકાનેથી નીકળ્યા હતા. જે દાગીનાનાં સેમ્પલ વેપાર અર્થે કૃષ્ણનગર ખાતે આવેલ અક્ષર જવેલર્સમાં બતાવીને તેઓ નરોડા નવયુગ સ્કુલ રોડ પર આવેલ અંબિકા જવેલર્સ ખાતે જવા માટે નીકળ્યા હતા. આ વખતે એક્ટિવા ફરિયાદીનો નોકર આનંદ રાજપૂત ચલાવતો હતો. ફરિયાદી એક્ટિવા સાઈડ પર પાર્ક કરાવીને લઘુશંકા માટે ગયા હતા. આ સમયે આનંદ રાજપૂત નામનો આરોપી એક્ટિવા અને દાગીના ભરેલ બેગ લઈને રફુચક્કર થઈ ગયો હતો.