રાજસ્થાન રોયલ્સના લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે ઈન્ડીયન પ્રીમિયર લીગમાં ઈતિહાસ રચ્યો છે. તેણે શનિવારે પંજોબ કિંગ્સ સામે ત્રણ વિકેટ લઈને એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. તેણે પોતાની ટીમની જીતમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.વાસ્તવમાં, યુઝવેન્દ્ર ચહલે આ સિઝનમાં ૧૧ મેચ રમીને ૨૨ વિકેટ લીધી છે. આ સાથે તે આઇપીએલ ઈતિહાસની કોઈપણ ૪ સિઝનમાં ૨૦ કે તેથી વધુ વિકેટ લેનારો બીજો બોલર અને પ્રથમ સ્પિનર બની ગયો છે. આ પહેલા આ કારનામું શ્રીલંકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર લસિથ મલિંગાએ કર્યું હતું.
ચહલે તેની આઇપીએલ કારકિર્દીની શરૂઆત રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરથી કરી હતી. તે છેલ્લી સિઝન સુધી આ ટીમ સાથે રમ્યો હતો. આરસીબીએ ચહલને છોડ્યો. આવી સ્થિતિમાં મેગા ઓક્શનમાં રાજસ્થાન રોયલ્સે ચહલને ૬.૫૦ કરોડ રૂપિયામાં બિડ કરીને ખરીદ્યો હતો. અગાઉ, આરસીબી તરફથી રમતા ચહલે ૨૦૧૫, ૨૦૧૬ અને ૨૦૨૦ની સિઝનમાં ૨૦ કે તેથી વધુ વિકેટ લીધી હતી.
રસપ્રદ વાત એ છે કે લસિથ મલિંગા આ સિઝનમાં રાજસ્થાન ટીમનો બોલિંગ કોચ પણ છે. મલિંગા આઇપીએલનો પહેલો બોલર હતો જેણે કોઈપણ ૪ સિઝનમાં ૨૦ કે તેથી વધુ વિકેટ લીધી હતી. મલિંગાએ ૨૦૧૧, ૨૦૧૨, ૨૦૧૩ અને ૨૦૧૫ની સિઝનમાં મુંબઈ ઈન્ડીયન્સ તરફથી રમતા આ વિકેટો લીધી હતી.