મહારાષ્ટ્રની એક દવા કંપની એન ટોડ ફાર્માસ્યુટિકલ્સને પોતાના આઈ ડોટસ – આંખના ટીપાને લઈને મોટા મોટા દાવાઓ મોંઘા પડી રહ્યા છે. ભારતના દવા નિયંત્રક (ડ્રગ કંટ્રોલર)એ આ દવાને આપેલી મંજુરી આગામી આદેશ સુધી પાછી ખેંચી લીધી છે અને તેના વેચાણ-ઉત્પાદન પર રોક લગાવી દીધી છે.
આંખો પરથી ચશ્મા હટાવવાનો દાવો કરનાર આ કંપનીને ડ્રગ્સ કંટ્રોલે પ્રેસ બાયોપિયાની દવા પાઈલોકાર્પિન હાઈડ્રોકલોરાઈડ ૧.૨૫ના નિર્માણની મંજુરી આપી હતી.
આ દવા વધતી ઉંમરના કારણે નજરની કમજારીને ઠીક કરતી હોવાનો દાવો કરાયો હતો પણ કંપની દ્વારા મીડીયા અને સોશિયલ મીડીયામાં એવો પ્રચાર કરાયો હતો કે આ ભારતના એવા પહેલા આંખના ટીપા છે જે ચશ્માની જરૂરીયાતને ખતમ કરી દેશે.
બીજા પ્રચાર એવો કરવામા આવ્યો કે, ચશ્મા વિના નજીકની નજર પણ ઠીક થઈ જશે. આવા અનેક દાવાઓને ધ્યાનમાં લઈને દવા નિયંત્રકે ચાર સપ્ટેમ્બરે કંપનીને નોટીસ મોકલી જવાબ માગ્યો છે. કંપનીએ પાંચ સપ્ટેમ્બરે પોતાનો જવાબ મોકલ્યો હતો જે સંતોષજનક નહોતા.
દવા નિયંત્રકે જણાવ્યુ હતુ કે, જે દાવા કંપનીએ કર્યા હતા તેના માટે તેની દવાને મંજુરી નહોતી અપાઈ કે આ દાવાઓને લઈને કલીનિકલ ટ્રાઈ કરાઈ હતી. આ મામલે નિષ્ણાંતોએ જણાવ્યુ હતુ કે, આંખના આ ટીપાની ઘણી સાઈડ ઈફેકટ છે તેના પર પ્રતિબંધ સાચી દિશામાં પગલુ છે.