ચલાલા નગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે સાટડીપરામાં આવેલી પરા પ્રાથમિક શાળાના દરવાજા સામે ગંદકીનો ગંજ જામ્યો છે. આ ગંદકીથી ઉત્પન્ન થતી દુર્ગંધ અને અસ્વચ્છતાને કારણે શાળામાં અભ્યાસ કરતાં બાળકોના આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું થયું છે. ચોમાસાની ઋતુમાં શહેરમાં મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધતું જાય છે, ત્યારે આ પરિસ્થિતિ વધુ ચિંતાજનક બની છે. શહેરમાં વિશેષ સફાઈની જરૂરિયાત હોવા છતાં, શિક્ષણના સ્થળ પર જ ગંદકીનો ઢગલો જોવા મળી રહ્યો છે. શાળાના આચાર્ય મિહિરભાઈ રાજગુરુએ જણાવ્યું કે તેમણે ચલાલા નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત તેમજ મૌખિક રજૂઆત અનેકવાર કરી છે, પરંતુ કોઈ પરિણામ આવ્યું નથી. તેમણે ચેતવણી આપી છે કે જો ત્રણ દિવસમાં શાળા સામેની ગંદકી દૂર કરવામાં નહીં આવે તો તેઓ જિલ્લા આરોગ્ય તંત્રને રૂબરૂ રજૂઆત કરશે. વારંવારની રજૂઆતો છતાં નગરપાલિકા તંત્ર ઘોર નિદ્રામાં પડ્‌યું હોય તેવું લાગી રહ્યું છે. આ પરિસ્થિતિથી વાલીઓમાં પણ રોષ ફાટી નીકળ્યો છે.