ચલાલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી ફરાર એક વોન્ટેડ આરોપીને અમરેલીની પેરોલ-ફર્લાે સ્ક્વોડે ઝડપી પાડ્યો હતો. આરોપી બાલાભાઈ મનુભાઈ કડેવાળને વડીયા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. ચલાલા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં પોલીસે રૂ.૧,૫૫,૩૭૦ની કિંમતની ૭૧૯ બોટલ વિદેશી દારૂ અને રૂ.૧૦,૦૦,૦૦૦ની કિંમતનો એક અશોક લેલેન્ડ ટ્રક જપ્ત કર્યો હતો. આ કેસમાં કલ્પેશ ખોડજીભાઈ ચૌહાણ અને ભાવેશભાઈ મનસુખભાઈ દવેરા નામના બે આરોપીઓને અગાઉ પકડી પાડવામાં આવ્યા હતા. જોકે, આ ગુનામાં ટ્રકના માલિક બાલાભાઈ મનુભાઈ કડેવાળનું નામ ખુલતાં તે છેલ્લા ત્રણ મહિનાથી નાસતો ફરતો હતો. અમરેલી પેરોલ-ફર્લો ટીમે ફરાર આરોપી બાલાભાઈ કડેવાળ અંગે ગુપ્ત માહિતી મેળવીને ઝડપી પાડ્યો હતો. આરોપીને કાયદેસરની વધુ કાર્યવાહી માટે ચલાલા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યવાહીમાં પેરોલ-ફર્લો સ્ક્વોડના પીએસઆઈ એન.જી. સાપરા, એ.એસ.આઈ. જે.જી. ઝાલા, હેડ કોન્સ્ટેબલ ગોવિંદભાઈ નગવાડિયા, સત્તારશા શેખ, રાહુલભાઈ ઢાપા અને પોલીસ કોન્સ્ટેબલ ધરતીબેન લીંબાશિયા સહિતની ટીમ જોડાઈ હતી.









































