અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ચલાલા પાસે આવેલા નાગ્રધા ગામે રેતી ચોરી કરવાની કોશિષ કરવા બદલ પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી રૂ.૧૪.પ૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અમરેલી જિલ્લામાં પોલીસની કડક કાર્યવાહી છતાં રેતીચોરો પોલીસને જાણે ખુલ્લો પડકાર ફેંકતા હોય તેમ બેફામ રેતી ચોરી કરી રહ્યા છે. જેમાં નાગ્રધા ગામે નદીના પટ્ટમાં રેતી ચોરી થતી હોવાની પોલીસને માહિતી મળતા પોલીસે બાતમીના આધારે ઘટનાસ્થળે તપાસ કરતા રેતી ચોરી માટે ઉપયોગમાં લેવાતા જેસીબી કિ.રૂ.પ લાખ, ત્રણ ટ્રેકટર-ટ્રોલી સહિત પોલીસે રૂ.૧૪.પ૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે નદીના પટ્ટમાંથી રેતી ચોરી કરતા રાજુ હાંકભાઈ સાકરીયા, રહે. મંગળકૂઈ જિ.સુરેન્દ્રનગર, અનવર મહેબૂબ બ્લોચ રહે.ધારગણી, ગોરધનભાઈ રોજસરા રહે. ગુંદાળા, તા.જસદણ અને વિપુલ વિહાભાઈ ધરાજીયા રહે. નાની ચોરમલ જી. સુરેન્દ્રનગરવાળાની ધરપકડ કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.