ચલાલા નગરપાલિકાના પ્રમુખના રાજીનામાને લઈને છેલ્લા એક મહિનાથી વધુ સમયથી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.પ્રમુખે સભ્યોના આંતરિક મતભેદના કારણે તા. ૧૧ ઓગસ્ટે પોતાનું રાજીનામું કલેક્ટર કચેરીમાં સુપરત કર્યું હતું, પરંતુ જિલ્લા કલેક્ટરે હજુ સુધી આ રાજીનામું મંજૂર કે નામંજૂર કર્યું નથી. આ પરિસ્થિતિને કારણે નગરપાલિકાની કામગીરી અટકી પડી છે અને લોકોના પ્રાથમિક પ્રશ્નોનું નિરાકરણ થતું ન હોવાથી ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પ્રમુખના રાજીનામા બાદ ચીફ ઓફિસરે ઉપપ્રમુખને પણ ચાર્જ સોંપ્યો નથી, જેના કારણે નગરપાલિકા ‘ધણી-ધોરી વગરની’ બની ગઈ છે. વીજળી, પાણી, ગટર, અને સફાઈ જેવા રોજીંદા પ્રશ્નો પણ ઉકેલવામાં આવતા નથી, જેના કારણે સ્થાનિક નાગરિકોમાં અસંતોષની લાગણી ફેલાઈ છે. લોકોમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે પ્રમુખ પર દબાણ હોવાથી તેમના રાજીનામાનો સ્વીકાર કે અસ્વીકાર થઈ રહ્યો નથી. આ મામલો સત્વરે ઉકેલાય તેવી લોક માંગણી પ્રબળ બની છે.
જાણવા મળ્યા મુજબ, તાજેતરમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ અને જિલ્લાના અગ્રણીઓએ ચલાલા નગરપાલિકાના તમામ સભ્યોની બેઠક બોલાવી હતી. પરંતુ, બહુમતી સભ્યોએ નારાજગી વ્યક્ત કરતાં આ બેઠકનું કોઈ પરિણામ આવ્યું ન હતું.
આ રાજકીય ગુંચવાડાને કારણે ચલાલાના નાગરિકો હેરાન થઈ રહ્યા છે, ઉપરાંત આ પરિસ્થિતિનો વહેલી તકે ઉકેલ આવે અને નગરપાલિકાની કામગીરી ફરીથી રાબેતા મુજબ શરૂ થાય તેવી આશા રાખી રહ્યા છે.