ઊનાથી ખાંભા, ચલાલા થઈને સોમવારે રાત્રે અમદાવાદ જતી હરીદર્શન ટ્રાવેલ્સની બસના ચાલકે ચલાલા નજીક સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા પલટી મારી ગઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ લકઝરી બસ ચલાલાથી પેસેન્જર બેસાડી હજુ ત્રણેક કિલોમીટર પહોંચી હતી.ત્યાં ડ્રાઇવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બસ ડાબી સાઇડમાં રોડ નીચે ખાઇમાં પલટી મારી ગઇ હતી. સદનસીબે કોઇ મોટી જાનહાનિ થઈ ન હતી. બસના ૧૬ પેસેન્જરોને નાની મોટી ઇજાઓ થઇ હતી. આ ઘટનાની જાણ ચલાલા પોલીસને થતા તુરંત ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. અકસ્માતને લઈને રોડ પર ટ્રાફિક જામ થયો હતો. ઈજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ચલાલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્‌યા હતા. જેમાંથી ૫ાંચ ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે અમરેલી રીફર કરવામાં આવ્યા હતા. પેસેન્જર દેવાંગભાઇ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે ડ્રાઇવરે ખૂબ જ બેદરકારીપૂર્વક બસ ચલાવવાના કારણે આ અકસ્માત થયો હતો. અકસ્માત કર્યા બાદ ડ્રાઇવર અયુબ મકરાણી ચલાલા પોલીસ સ્ટેશનમાં હાજર થયેલ છે. પોલીસે જાણવાજોગ નોંધ કરેલ છે અને હજુ કોઇ ફરિયાદ દાખલ થઈ નથી તેમ પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે. આ ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય જે.વી.કાકડીયા અને અતુલભાઈ કાનાણી સહિતનાં આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.