ચલાલાની નગરપાલિકામાં ભાજપની નવી બોડી આવ્યા બાદથી વિવાદો ચાલી રહ્યા છે. સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૪ અંતર્ગત સફાઈ ઝુંબેશ માટે રાજ્ય સરકાર તરફથી મળેલ રૂ. ૩ લાખની ગ્રાન્ટમાં મોટા ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો છે. ચલાલા નગરપાલિકાએ અમરેલીની
એમ.એમ.ડી.સી. ઈન્ફ્રા એન્ડ સોલિડ વેસ્ટ એજન્સીને ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ રૂ. ૩,૦૧,૯૪૦નું વર્ક ઓર્ડર આપ્યો હતો. એજન્સીએ કામગીરી પૂર્ણ કરી બિલ રજૂ કરતા, ચીફ ઓફિસર અને પ્રમુખે ૧૬ એપ્રિલ, ૨૦૨૫ના રોજ રૂ. ૩ લાખ ચૂકવી દીધા. જોકે, નગરપાલીકા સદસ્યો પરેશભાઈ કાથરોટીયા અને જયરાજભાઈ વાળા દ્વારા હાજરીપત્રક અને વાઉચર્સની તપાસ કરતા જણાયું કે, એજન્સીને માત્ર રૂ. ૧,૦૦,૮૦૯ જ ચૂકવવાપાત્ર હતા. વધુ નાણાં ચૂકવાયાની રજૂઆત બાદ, ચીફ ઓફિસરે રિકવરી માટે એજન્સીને ફોન કરતા, એજન્સીએ રૂ. ૬૦,૦૦૦ ભર્યા હોવાનો દાવો કર્યો હતો. પરંતુ, બાદમાં એજન્સીએ કોઈ રિકવરી ન ભરતા , રૂ. ૧,૩૯,૧૯૧ની બાકી રિકવરીનો મામલો ગૂંચવાયો છે. આ પ્રકરણમાં ચીફ ઓફિસર, પ્રમુખ અને એન્જીનિયરની મિલીભગતથી રૂ. ૨ લાખનો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, અને લોકો પ્રાદેશિક કમિશનર દ્વારા કાર્યવાહીની અપેક્ષા રાખી રહ્યા છે અને ધારાસભ્યના મૌન પર પણ સવાલો ઉઠી રહ્યા છે.