અમરેલીના ચલાલામાં એક પરિણીતાએ પોતાના ઘર પર જ ઘરકંકાસથી તંગ આવી બે માસૂમ પુત્રીઓ સાથે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ બનાવ સ્થળે દોડી ગઇ હતી. જાણવા મળતી માહિતી મુજબ ચલાલામાં આવેલી હરિધામ સોસાયટીમાં રહેતા ભરતભાઇ દેવમુરારીની પત્ની સોનલબેન સાથે અગમ્ય કારણોસર ઘરકંકાસ ચાલતો હોય જેમાં આજરોજ ઘરકંકાસે આખા પરિવારનો જાણે માળો વિખેરી નાખ્યો હોય તેમ સોનલબેન અને તેની બે પુત્રીઓએ સાથે સળગી જઇ આપઘાત કરી લીધો છે. મૃતક પરિણીતા સોનલબેને (ઉ.વ.૪૦), પુત્રી હિતાલી (ઉ.વ.૧૪) અને બીજી પુત્રી ખુશી (ઉ.વ.૩) સાથે જ્વનલશીલ પદાર્થ છાંટી આપઘાત કરી લીધો હતો. આ ઘટનાની જાણ થતાં જ ભરતભાઇ દેવમુરારી પોતાના ઘરે પહોંચ્યા હતાં. અને આ ઘટનાની જાણ ચલાલા પોલીસને કરવામાં આવી હતી. ચલાલા પીએસઆઇ સાંખટ દ્વારા ત્રણેય
મૃતદેહનું પેનલ પોસ્ટમાર્ટમ કરાવી તપાસ હાથ ધરી હતી.

નાની પુત્રી ઘોડીયામાં જ સળગી ગઇ
સોનલબેન ભરતભાઇ દેવમુરારીએ પોતાની બન્ને પુત્રીઓ સાથે સામુહિક આપઘાત કરી લેતા પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જયાં તપાસ કરતાં ત્રણેયના સળગેલી હાલતમાં મૃતદેહ જાવા મળ્યા હતાં. જેમાં નાની પુત્રી ખુશી ઘોડીયામાંજ સળગી ગઇ હતી.
ભરતભાઇ અનાજ દળવાની ઘંટી ચલાવે છે
મૃતક પરિણીતા સોનલબેનના પતિ ભરતભાઇ દેવમુરારી ચલાલામાં જ અનાજ દળવાની ઘંટી ચલાવે છે. પત્ની અને પુત્રીઓના મોત બાદ સમગ્ર શહેરમાં અરેરાટી પ્રસરી જવા પામી છે. જા કે સામુહિક આપઘાતનું કારણ ઘર કંકાસ છે કે અન્ય કોઇ કારણ તે પોલીસ તપાસ બાદ જાણવા મળશે.