ચલાલા (દાનાભગત) ખાતે યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા આગામી તા. ૧/૨/૨૦૨૬ના રોજ જગવિખ્યાત વાર્તાકાર સ્વર્ગસ્થ કાનજી ભૂટા બારોટની કર્મભૂમિમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મોરારી બાપુના વરદ હસ્તે ચાર કલાકારોને ‘કાનજી ભૂટા બારોટ એવોર્ડ’થી નવાજવામાં આવશે.સૌરાષ્ટ્રનું રતન અને ‘વાર્તાનો વડલો’ કહેવાતા કાનજી ભૂટા બારોટના જીવન સાથે જોડાયેલી એક ઐતિહાસિક ઘટના પણ યાદ કરવામાં આવે છે. ગુજરાતી ફિલ્મોના સુવર્ણકાળમાં જ્યારે રામાનંદ સાગરે ગુજરાતી ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું અને ઉપેન્દ્ર ત્રિવેદીના સૂચનથી ‘વીર માંગડાવાળા’ પર ફિલ્મ બનાવવાનું નક્કી થયું, ત્યારે તેની પટકથા માટે કાનજીબાપા અનિવાર્ય બન્યા હતા. વડોદરાના લક્ષ્મી સ્ટુડિયોમાં કવિ દાદ, રામજીભાઈ વાણીયા અને સુભાષ સાગર સાથેની ટીમની મિટિંગ કાનજીબાપાના નેતૃત્વમાં થયા બાદ જ ફિલ્મની પટકથા લખવાની શરૂઆત થઈ હતી. કાનજીબાપાએ જીથરો ભાભો, કાળિયો ઢગો, વીર રામવાળો, વીર ચાંપરાજ વાળા, દસ્તાવેજ, કન્યાદાન, હોથલ પદમણી અને ચતુરચંદ શેઠ જેવી અનેક વાર્તાઓ પોતાની આગવી રાવળી શૈલીમાં રજૂ કરી લોકસાહિત્યમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે.