ધારાસભ્ય જે.વી. કાકડીયાએ સ્પેશિયલ કેસમાં નિમણૂક કરાવી

દાનેવ ધામ ચલાલામાં ઘણા સમયથી પશુ ડોકટરની જગ્યા ખાલી હોવાથી પશુપાલકો અને ખેડૂતોને પોતાના માલઢોરની સારવાર કરાવવા ભારે મુશ્કેલી પડતી હતી. સારવાર માટે ખાનગી પશુ ડોક્ટરને ભારે ફી ચુકવવી પડતી હતી. આ અંગે ચલાલા પંથકના ખેડૂતો અને પશુપાલકો દ્વારા ધારાસભ્ય જે.વી. કાકડીયાને રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતની ગંભીરતા સમજીને ધારાસભ્ય કાકડીયાએ તાત્કાલિક પશુપાલન કેબિનેટ મંત્રી રાધવજીભાઇ પટેલને રૂબરુ મળીને લેખિત અને મૌખિક રીતે અસરકારક રજૂઆત કરી હતી. આથી પશુપાલન વિભાગે સ્પેશિયલ કેસમાં ચલાલામાં પશુ ડોક્ટર હરેશભાઇ કામળીયાની નિમણૂંક કરી હતી. આથી ચલાલા પંથકના ખેડૂતો અને પશુપાલકોમાં સંતોષ સાથે આનંદની લાગણી ફેલાઇ છે. ચલાલામાં પશુ ડોકટરની આજે નિમણૂક થતા ધારાસભ્યના અંગત મદદનીશ અને શહેર ભાજપ ઉપપ્રમુખ ભૈયલુભાઇ વાળા અને શહેર ભાજપના વરિષ્ઠ આગેવાન અને પૂર્વ સદસ્ય પ્રકાશભાઈ કારીયાએ પશુ ડોકટર હરેશભાઇ કામળીયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. પશુ ડોકટરે પણ માલઢોરની સારવારમાં કોઇ કચાસ નહીં રાખવાની ખાત્રી આપેલ હતી. જો પશુપાલકોને આ અંગે કોઇ મુશ્કેલી ઊભી થાય તો ભૈયલુભાઇ વાળાને તેમના મો.નં. ૯૬૩૮૦ ૫૩૯૮૨ પર સંપર્ક કરવા જણાવેલ છે.