ચલાલામાં દીકરીના ઘરે ચાલી રહેલા પારિવારિક ઝઘડામાં વચ્ચે પડવું સાસુ-સસરાને ભારે પડ્યું હતું. જમાઈ સહિત પાંચ શખ્સોએ એકસંપ થઈ સાસુ-સસરાને ગાળો આપી, ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. શારદાબેન દલસુખભાઇ ગોહિલ (ઉ.વ.૪૨)એ મૂળ સાવરકુંડલાના બોરાળા ગામના અને હાલ ચલાલામાં રહેતા રોહિતભાઇ મનસુખભાઇ હેલૈયા, રાહુલભાઇ મનસુખભાઇ હેલૈયા, અજીતભાઇ મનસુખભાઇ હેલૈયા, મનસુખભાઇ હેલૈયા તથા હંસાબેન મનસુખભાઇ હેલૈયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમની દીકરી અને જમાઈ રોહિતભાઇ મનસુખભાઇ હેલૈયા વચ્ચે ઘરે ઝઘડો ચાલતો હતો. આ બાબતે જમાઈએ જ સામેથી ફોન કરીને તેમના પતિને પોતાના ઘરે બોલાવ્યા હતા. દીકરીના ઘરે વિવાદ વકરતો જોઈ તેઓ અને તેમના પતિ ત્યાં પહોંચ્યા હતા અને બંને પક્ષે સમજાવટ કરી વચ્ચે પડવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ અને તેમના પતિ વચ્ચે પડતા જ જમાઈ ઉશ્કેરાઈ ગયો હતો અને સાસુ-સસરા સાથે પણ ઝઘડો કરવા લાગ્યો હતો. આ દરમિયાન અન્ય ચાર શખ્સો પણ ત્યાં આવી પહોંચ્યા હતા. તમામ આરોપીઓએ ભેગા મળીને તેમને અને તેમના પતિને શરીરે ઢીકાપાટુનો આડેધડ મુંઢમાર માર્યો હતો.







































