ચલાલા શહેરમાં ગૌસેવકોની સતર્કતાને કારણે કતલખાને લઈ જવાતા પશુઓને બચાવી લેવામાં આવ્યા છે. ઉનાથી કતલના ઈરાદે લવાતી બે ભેંસોને પીકઅપ બોલેરોમાં ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જવામાં આવી રહી હતી, ત્યારે ચલાલામાં નાકાબંધી કરી વાહન ઝડપી પાડવામાં આવ્યું હતું.મળતી વિગત મુજબ, બીમાર અને રખડતા પશુઓની સેવા કરતા ગૌસેવકોને બાતમી મળી હતી કે, ઉના તરફથી એક સફેદ કલરની બોલેરો પીકઅપમાં પશુઓને ભરીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. આ માહિતીના આધારે ગૌસેવકો અને સાક્ષીઓએ ચલાલાના ખાંભા રોડ પર આવેલા બાપા સીતારામ ચોક પાસે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ બોલેરો પીકઅપ આવતા તેને અટકાવી તપાસ કરતા ગાડીમાંથી બે નંગ કાળી ભેંસ મળી આવી હતી.તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી હતી કે, પશુઓને ટૂંકા દોરડાથી, ઘાસચારા કે પાણીની સગવડ વગર અત્યંત ખરાબ હાલતમાં બાંધ્યા હતા. વાહન ચાલક પાસે પશુઓની હેરફેર માટેની કોઈ પાસ-પરમિટ કે વેટરનરી ડોક્ટરનું ફિટનેસ સર્ટિફિકેટ નહોતું. પ્રાથમિક દ્રષ્ટિએ આ પશુઓને ગેરકાયદેસર રીતે કતલ કરવાના ઈરાદે લઈ જવામાં આવતા હોવાનું જણાયું હતું. પોલીસે આ મામલે વાહન ચાલક અજીતસિંહ રાજાભાઇ જાદવ (ઉં.વ. ૨૫)ની અટકાયત કરી હતી. પોલીસે અંદાજે રૂ.૫૦,૦૦૦ની કિંમતના બે પશુઓ અને વાહન સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ‘પશુ સંરક્ષણ’ અને ‘પ્રાણી ક્રૂરતા નિવારણ’ના કાયદા હેઠળ વધુ તપાસ હાથ ધરી છે.