યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સંચાલિત ગાયત્રી સંસ્કાર ધામ ખાતે પ.પૂ. સંતશ્રી ડા. રતિદાદાના સાનિધ્યમાં અને ભારતભૂષણ મહેશભાઈના માર્ગદર્શન હેઠળ રામનવમી મહોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. સવારથી જ સમગ્ર પરિસર ધાર્મિક માહોલથી ગુંજી ઉઠ્‌યું હતું. ગાયત્રી મંદિર ખાતે ભગવાન શ્રી રામની સ્તુતિ સાથે વિશેષ પૂજન કરવામાં આવ્યું, જેમાં સંસ્કૃત ગુરુકુળ અને હોસ્ટેલના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
પૂજા બાદ હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠ સાથે સંગીતમય ભજનોએ ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમ બાદ સર્વે માટે ફરાળનું આયોજન કરવામાં આવ્યું હતું.બપોરે શહેરમાં ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી, જેમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે હવન અને રામ દરબારનું જીવંત પ્રદર્શન મુખ્ય આકર્ષણ બન્યું. “જય શ્રીરામ”ના નારાઓ સાથે નગર ભક્તિમય બન્યું. સમગ્ર આયોજનને સફળ બનાવવા સંસ્થાના કાર્યકરો અને સ્ટાફે મહેનત કરી હતી