ધારી તાલુકાના ચલાલાથી ગોપાલગ્રામ જઈ રહેલી ઓ.પી. ઝાટકિયા હાઈસ્કૂલની બસને નડેલા અકસ્માતમાં ૨૦ જેટલા વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. ગોપાલગ્રામ નજીક ડ્રાઈવરે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ માર્ગની નીચે આવેલા ઊંડા ખાળિયામાં ઉતરી ગઈ હતી. આ અચાનક બનેલી ઘટનાને પગલે બસમાં સવાર વિદ્યાર્થીઓમાં ભારે ચીસાચીસ અને અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોએ તરત જ દોડી આવીને બચાવ કામગીરી શરૂ કરી હતી, જેના કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી અને શાળા સંચાલકો સહિત વાલીઓએ હાશકારો અનુભવ્યો હતો.અકસ્માતની જાણ થતા જ રાજકીય માહોલમાં પણ દોડધામ મચી ગઈ હતી. હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો હોવાથી, ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ, ઉમેદવારો અને કાર્યકરો પ્રચાર છોડીને તાત્કાલિક ચલાલા આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા. હોસ્પિટલના પટાંગણમાં નેતાઓની ભારે ભીડ એકઠી થઈ જવાથી સારવાર લેવા આવેલા દર્દીઓ અને ટ્રાફિક વ્યવસ્થામાં થોડીવાર માટે વિક્ષેપ સર્જાયો હતો. ઈજાગ્રસ્ત વિદ્યાર્થી રોનક વાળાએ અકસ્માતની વિગતો આપતા જણાવ્યું કે તેઓ મીઠાપુરથી ગોપાલગ્રામ સ્કૂલ જઈ રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. બસમાં આશરે ૨૦ થી ૨૫ વિદ્યાર્થીઓ સવાર હતા, જેમાંથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ૫ાંચ વિદ્યાર્થીઓને વધુ સારી સારવાર માટે અમરેલી રિફર કરવામાં આવ્યા છે. બાકીના વિદ્યાર્થીઓની ચલાલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર ચાલી રહી છે. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.
જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના
આગેવાનો દોડી ગયા
ગોપાલગ્રામ જતી બસ ખાળીયામાં ઉતરી ગઈ હોવાની અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, રાજુભાઈ ભુતૈયા, મેહુલભાઈ ધોરાજીયા, મયુરભાઈ માંજરીયા હોÂસ્પટલ ખાતે દોડી ગયા હતા. જયાં વિદ્યાર્થીઓના ખબર અંતર પુછી જરૂરી સારવાર માટે સુચનાઓ આપવામાં આવી હતી.