શહેર સહિત ગુજરાતભરમાં ચર્ચાનો વિષય બનેલા ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં આરોપી ફેનિલ ગોયાણીને આજે સજા સંભળાવવાની હતી. પરંતુ આજે સરકારી વકીલ નયન સુખડવાલા ગેરહાજર રહેતા સુનાવણી ટળી છે. હવે આ કેસમાં ૫મેના રોજ કોર્ટ ચુકાદો સંભળાવી શકે છે. નોંધનીય છે કે, ૧૨ ફેબ્રુઆરીએ પાસોદરામાં બનેલી હત્યાની ઘટનામાં આરોપી સામે ડે-ટુ-ડે ટ્રાયલ ચાલી હતી જેમાં સાક્ષીઓ સહિત મેડિકલ અને વિડીયો પુરાવા રજૂ કરીને આરોપીને સખતમાં સખત સજા થાય તેવા પ્રયાસો સરકારી વકીલ નયન સુખડવાલા દ્વારા કરવામાં આવ્યા હતા.
સરકારી વકીલ નયન સુખડવાલા ગેરહાજર રહ્યા હતા અને ફેનિલને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો નહોતો જેના કારણે કોર્ટમાં ગ્રીષ્મા હત્યા કેસમાં સજા સંભળાવવા માટે વધુ એક તારીખ પડી છે. એટલે કે હવે હત્યારા ફેનિલ ગોયાણીને ૮ દિવસ પછી ૫મી મેના રોજ સજા સંભળાવવામાં આવશે. દોષિતને કોર્ટ શું સજા કરે છે તેના પર સૌ કોઈની નજર રહેલી છે. લોકો દ્વારા આરોપીને ફાંસીની સજા કરાય તેવી પણ માંગ ઉઠી રહી છે.
મહ¥વનું છે કે, જજે બંને પક્ષોની દલીલો તથા રજુ કરેલા પુરાવા જાયા બાદ બચાવપક્ષે આરોપીના બચાવવા માટે કરેલી તમામ દલીલોને નકારી કાઢી આરોપીને ઈપીકો-૩૦૨(હત્યા) ૩૦૭ હત્યાનો પ્રયાસ, ૩૫૪(ડી) ૩૪૨, ૫૦૪, ૫૦૬(૨) તમામ ગુનામાં દોષી ઠેરવતો હુકમ કર્યો હતો. તો આજે આરોપી ફેનિલને કોર્ટ સજા સંભળાવી શકે તેવી પુરેપુરી શક્યતાઓ હતી. પરંતુ સરકારી વકીલ હાજર ન રહેતા બીજી તારીખ પડી છે.
શહેરના પાસોદરામાં ગઈ ૧૨મી ફેબુ્રઆરીના રોજ સાંજે છ વાગ્યે એક તરફી પ્રેમમાં આરોપી ફેનિલ પંકજ ગોયાણીએ ૨૧ વર્ષીય ગ્રીષ્મા વેકરીયાની સોસાયટીના ગેટ પર ચપ્પુ લઇ પહોંચી ગયો હતો. તેને સમજાવવા ગયેલા ગ્રીષ્માના કાકા સુભાષભાઇ, ભાઇ ધ્રુવ વેકરીયા પર ચપ્પુથી હુમલો કરીને ઇજા પહોંચાડી હતી. ગ્રીષ્મા તેમને બચાવવા જતા ફેનીલે તેના ગળા પર ચપ્પુના બે ઘસરકા કર્યા હતા અને લોહીના ફુવારા ઉડયા બાદ તેનું મૃત્યુ થયુ હતુ. ત્યારબાદ ફેનીલે હાથની નસ કાપી ઝેરી દવા પીને આપઘાત કરવાનું નાટક કર્યું હતું. આ આખી ઘટનાને લોકોએ મોબાઇલમાં કેદ કરી લીધી હતી.
ગ્રીષ્માના ભાઈ ધ્રુવ વેકરીયાએ કામરેજ પોલીસમાં હત્યા, હત્યાના પ્રયાસ, ધાકધમકી આપવા સહિતના ગુના બદલ ફોજદારી ફરિયાદ નોંધાવી હતી. બનાવમાં સાત દિવસમાં ચાર્જશીટ બાદ આરોપી ફેનીલ ગોયાણી વિરુદ્ધ ચાર્જફ્રેમની કાર્યવાહી કરવામાં આવી હતી. સરકારપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ સરકારપક્ષના ૧૯૦ સાક્ષીઓ સહિત દસ્તાવેજી પુરાવાનું લીસ્ટ સોંપતા તા.૨૫ ફેબુ્રઆરીથી આરોપી વિરુધ્ધ સ્પીડી ટ્રાયલ હાથ ધરાઇ હતી. ૮૫ સાક્ષી ડ્રોપ કરીને ૧૦૫ સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. બચાવપક્ષે ઝમીર શેખ તથા અજય ગોંડલીયાએ મુખ્યત્વે આરોપીના બચાવમાં ઘટના સ્થળના પંચનામા, પોસ્ટમોર્ટમ દરમિયાન તપાસ અધિકારીની એક સાથે બબ્બે જગ્યાએ હાજરીના મુદ્દે વાંધો ઉઠાવ્યો હતો. કબજે કરવામાં આવેલા મોબાઈલના મુદ્દે પણ બચાવપક્ષે વાંધો ઉઠાવી ભોગ બનનાર તથા આરોપી વચ્ચે પ્રેમપ્રકરણ હોવા તથા સમગ્ર બનાવ ઉશ્કેરાટના કારણે બન્યો હોઈ આરોપીનો હત્યાનો ઈરાદો ન હોવાનો બચાવ લીધો હતો.
ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસના આરોપી ફેનીલ ગોયાણીએ ગ્રીષ્માની હત્યા કરતા પહેલા પોતાની ધર્મની માનેલી બહેન ક્રિષ્નાને ગ્રીષ્માને મારી નાખવી છે તેવી ઈન્ટાગ્રામ પર ચેટીંગ કરીને પોતાનો ગુનાઈત ઈરાદો દર્શાવ્યો હતો. જે અંગે કોર્ટે આ બાબત અંગે ક્રિષ્નાએ જા પોલીસને આરોપીના ગુનાઈત ઈરાદાની જાણ ન કરી તે દુઃખદ બાબત ગણાવી હતી. જા તેણે આ અંગેની જાણ કરી હોત તો આ ગુનો બનતા અટકી શક્યો હોત. તદુપરાંત આરોપી ફેનીલે પોતાના મિત્રો આકાશ તથા હરેશ વઘાસીયા સમક્ષ પણ એક્સ્ટ્રા જ્યુડીશ્યલ કન્ફેશન કરીને પોતાનો ગુનાઈત ઈરાદો જાહેર કર્યો હોવાના સરકારપક્ષના પુરાવા તથા દલીલને કોર્ટે માન્ય રાખ્યો છે. જેથી બચાવપક્ષે સમગ્ર બનાવ ઉશ્કેરાટમા બન્યો હોવાની દલીલને કોર્ટે નકારી કાઢી છે.