બાબરા તાલુકાના ચરખા ગામે વિકાસના ત્રણ મહત્વપૂર્ણ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જ્ઞાનદીપ એજ્યુકેશન ટ્રસ્ટના ઉપક્રમે તથા ઝહરા ફાઉન્ડેશનના સહયોગથી ગામના જમનાબા મહિલા ગાર્ડનમાં ૧૦૦ ફૂટ ઊંચા તિરંગાનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેણે દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો. આ પ્રસંગે ચરખા ગામ અને આજુબાજુના ગામોના નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને તિરંગા સાથે વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સમગ્ર ગામમાં ફરી વળી હતી.આ સાથે જ જમનાબેન હરજીભાઈ રાદડિયા શૈક્ષણિક સંકુલમાં નાના ભૂલકાઓ માટે અત્યાધુનિક સ્વિમિંગ પૂલનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. આ સ્વિમિંગ પૂલ ઝહરા ફાઉન્ડેશનના સૌજન્યથી બનાવવામાં આવ્યો છે, જે બાળકોને ઉનાળાની ગરમીમાં રાહત આપશે અને તંદુરસ્ત પ્રવૃત્તિ માટે પ્રોત્સાહન પૂરું પાડશે. ઉપરાંત, શાળાની સામે આવેલા પીચ તળાવને ઊંડું કરવાના કાર્યનું ખાતમુહૂર્ત પણ આ કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું. આ કાર્ય ગ્રામ લોકોના આર્થિક સહયોગ અને ઝહરા ફાઉન્ડેશનના સહયોગથી હાથ ધરવામાં આવશે, જે ગામના પાણીના સ્તરને સુધારવામાં મદદરૂપ થશે. આ ત્રણેય કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના આ ભવ્ય કાર્યક્રમમાં અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત, અમરેલી જિલ્લાના સાંસદ ભરતભાઈ સુતરીયા, લાઠી બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા, જિલ્લા પંચાયત સદસ્ય પી.ડી કોઠીવાળ, તાલુકા પંચાયત પ્રમુખ બાબુભાઈ રામાણી (પ્રતિનિધિ), તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઈ અલગોતર, નગરપાલિકા પ્રમુખ પ્રવીણભાઈ કરકર, તાલુકા ભાજપ પ્રમુખ હિતેશભાઈ કલકાણી, પૂર્વ ભાજપ પ્રમુખ અશોકભાઈ રાખોલીયા, શહેર ભાજપ પ્રમુખ કિરીટભાઈ પરવાડીયા, મહામંત્રી જગદીશ વાવડીયા, પીઆઇ પ્રવીણભાઈ રાખોલીયા અને સામાજિક આગેવાન મહેશભાઈ ભાયાણી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જ્ઞાનદીપ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, શાળા સ્ટાફ, સરપંચ મગનભાઈ રૂપારેલીયા, મહેશભાઈ રૂપારેલીયા અને દાતા ભરતભાઈ રાદડિયા તથા પ્રવીણભાઈ રાદડિયાએ ભારે જહેમત ઉઠાવી હતી.