બગસરા નગરપાલિકાના સફાઈ કામદારો પોતાના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે હડતાલ પર ઉતર્યા હતા. જા કે પાલિકાએ મોટાભાગના પ્રશ્નોના નિરાકરણની બાંહેધરી આપતા હડતાલ સમેટાઈ ગઈ હતી. બગસરા પાલિકામાં કામ કરતા સફાઈ કામદારો બોનસ, ગણવેશ, મૃત્યુ પામેલા કામદારોના વારસદારને નોકરી પર લેવા સહિતના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે થોડા દિવસ પહેલા પાલિકાને અલ્ટીમેટમ આપ્યુ હતું અને પડતર પ્રશ્નોનું નિરાકરણ નહી થાય તો તા.૧૮ના રોજથી હડતાલની ચીમકી આપવામાં આવી હતી. જેને લઈ સફાઈ કામદારો હડતાલ પર ઉતરી જતા શહેરમાં ગંદકીના ગંજ ખડકાયા હતા. સફાઈ કામદારોએ ગઈકાલે રેલી યોજી પાલિકા વિરૂધ્ધ સુત્રોચ્ચાર પણ કર્યા હતા. જા કે આ બાબતે પાલિકા પ્રમુખે સફાઈ કામદારોના મોટાભાગના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે લેખીતમાં બાંહેધરી આપતા સફાઈ કામદારોએ હડતાલ સમેટી લીધી હતી. હડતાલ સમેટાઈ જતા શહેરીજનોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.