શહેરના ઇસનપુર વિસ્તારમાં મૈત્રી કરાર તોડી નાખ્યા બાદ પણ વિધવા મહિલાને ઘરે બોલાવી તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે. આ મામલે પીડિતાએ હિંમત દાખવીને ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી આરોપી ભુવાજી અર્પિત દેસાઈની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
મહિલા અને ભૂવાજી ૨૦૨૧માં મૈત્રી કરાર કરી સાથે રહેવા લાગ્યા
મળતી વિગતો અનુસાર, આજથી આશરે સાત વર્ષ પહેલાં એક વિધવા મહિલા પોતાની વ્યક્તિગત સમસ્યાઓના નિવારણ માટે ઇસનપુર વિસ્તારમાં રહેતા ભુવાજી અર્પિત દેસાઈ (ઉંમર વર્ષ ૩૦) પાસે આવી હતી. આ મુલાકાત બાદ બંને વચ્ચે સામાન્ય મિત્રતા થઈ હતી, જે સમય જતાં પ્રેમ સંબંધમાં પરિણમી હતી. ત્યારબાદ બંનેએ પરસ્પર સંમતિથી વર્ષ ૨૦૨૧માં મૈત્રી કરાર કર્યા હતા અને સાથે રહેવા લાગ્યા હતા.
આ સમયગાળા દરમિયાન ભુવાજી મહિલાને પોતાના ઘરે તેમજ અલગ-અલગ હોટલોમાં લઈ જઈને તેની સાથે શારીરિક સંબંધો બાંધતો હતો. મૈત્રી કરારના ચાર વર્ષ વીત્યા બાદ મહિલાને જાણવા મળ્યું હતું કે ભુવાજી અર્પિત દેસાઈના અન્ય શ્ત્રિઓ સાથે પણ સંબંધો છે. આ બાબત સામે આવતા વિધવા મહિલાએ તેની સાથેનો મૈત્રી કરાર કાયદેસર રીતે તોડી નાખ્યો હતો અને અલગ થઈ ગઈ હતી.
સંબંધો ચાલુ હતા તે દરમિયાન મહિલાએ ભુવાજીને આર્થિક જરૂરિયાત હોવાથી ટુકડે-ટુકડે કુલ રૂ. ૩ લાખ આપ્યા હતા, જેની સામે અર્પિત ૧૫,૦૦૦ રૂપિયા કરીને મહિલાને પરત પણ ચૂકવતો હતો. દરમિયાન, ગત ૧૯ જૂનના રોજ આરોપી ભુવાજીએ પોતાના પિતાના મોબાઈલ નંબર પરથી મહિલાને ફોન કર્યો હતો અને પૈસાની લેતી-દેતી કે અન્ય વાતચીત કરવાના બહાને મળવા માટે પોતાના ઘરે બોલાવી હતી.
વિધવા મહિલા જ્યારે ભુવાજીને મળવા તેના ઘરે પહોંચી, ત્યારે આરોપી તેને ઘરના ઉપરના માળે લઈ ગયો હતો અને ત્યાં મહિલાની મરજી વિરુદ્ધ જબરદસ્તીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ અણધાર્યા બનાવથી પીડિત મહિલા અત્યંત આઘાતમાં સરી પડી હતી. તેણે પોતાની એક મહિલા મિત્રને આપવીતી જણાવતા, તે મિત્રે મહિલાને સાંત્વના અને હિંમત આપી હતી.
આખરે પીડિતાએ પોલીસનો સંપર્ક કરી સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. ઇસનપુર પોલીસે આ અંગે ગુનો નોંધી આરોપી અર્પિત દેસાઈની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.