ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે સક્રિય બનેલા આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલના એક નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે.ચંદીગઢના સેક્ટર-૪૩ના દશહરા ગ્રાઉન્ડ ખાતે આયોજિત ચૂંટણી રેલી દરમિયાન કેજરીવાલે કહ્યું હતું કે, એક અફવા સાંભળવામાં આવી છે કે, કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જ ચંદીગઢ પંજાબને સોંપવા વિચારી રહી છે.
કેજરીવાલે આગળ કહ્યું હતું કે, જા આ સમાચાર સાચા હોય તો પછી ભાજપ અને કોંગ્રેસને મત આપવો વ્યર્થ હશે કારણ કે, થોડા મહિનાઓ બાદ પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવાની છે અને ચંદીગઢ પંજાબનો હિસ્સો હશે. તેમના આ નિવેદન મુદ્દે હરિયાણાના ગૃહમંત્રી અનિલ વીજે વલટવાર કર્યો છે.
અનિલ વીજે જણાવ્યું કે, ચંદીગઢ પર પંજાબ અને હરિયાણાનો સમાન હક છે. વધુમાં વીજે કહ્યું કે, કેજરીવાલ એક ભટકેલી આત્મા છે જે જનતાને ભટકાવવાનું અને આડા રસ્તે ચડાવવાનું કામ કરે છે. હવે તેઓ ચંદીગઢના લોકોને ઉંધા પાટે ચડાવવા પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ ચંદીગઢની જનતા ખૂબ જ સમજદાર છે અને કોઈ પણ સંજાગોમાં આમ આદમી પાર્ટીને મત નહીં આપે. ચંદીગઢના સમજદાર લોકો હંમેશાથી ભારતીય જનતા પાર્ટીની સાથે છે. વીજના કહેવા પ્રમાણે ક્યાંય આવો કોઈ નિર્ણય નથી લેવાયો.
ચંદીગઢ પહોંચેલા કેજરીવાલે જનતાને ૫ વચનો આપ્યા હતા અને કહ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો વિજય થશે તો આ વચનો પૂરા કરીને જ ફરી વખત સામે આવશે. કેજરીવાલે કહ્યું હતું કે, આજે સ્વચ્છતા મામલે ચંદીગઢ દેશભરમાં ૬૬મા ક્રમે પહોંચી ગયું છે. ભાજપ કહે છે કે, વિકાસ માટે ડબલ એન્જિનની સરકાર જરૂરી છે. ચંદીગઢમાં સાંસદ, મેયર અને પ્રશાસક ભાજપનો છે અને કેન્દ્રમાં પણ ભાજપ છે છતાં પણ આજ સુધી શા માટે કશું ન કર્યું.