આજ મને આનંદ વધ્યો અતિ ઘણો મા ગાવા ગરબા છંદ બહુચર માત તણા મા
આ આનંદના ગરબાની શરૂઆત છે.ગુજરાતના જ માઇ ભક્ત વલ્લભ મેવાડાએ રચેલી આ અમર કૃતિ છે.૧૧૮ પદ એટલે કે ૨૩૬ લીટીમાં માતા આદ્યશક્તિનો આખો મહિમા ગાવામાં આવેલો છે.આ એક ગરબો લોકઢાળ એટલેકે લોકોને ગમે તેવા,લોકો સહેલાઈથી ગાઈ શકે તે રીતે બનાવવામાં આવ્યો છે.આ રાસ નથી.મોટાભાગે સંગીતના સથવારે કે વગર સંગીતે પણ સૌ કોઈ ગાઇ શકે છે.દેવી ભક્તો કહે છે કે આ ગરબો એવો છે કે જેમાં માતાજી ઉપરાંત ભગવાન વિષ્ણુના અનેક અવતારોનો ઉલ્લેખ છે.એક એક લીટી વાંચતા જશો એટલે તમને તેની પ્રતીતિ થઈ જશે.આ ગરબો લાંબો છે જેને રાગ પ્રમાણે ગાવામાં આવે તો સહેજેય  એક કલાકનો સમય લાગી જાય છે.આ અંગે પંડિતો એવું કહે છે કે જે ભક્તો-ઉપાસકો ચંડી પાઠ કરવા અસમર્થ હોય તે જો આનંદના ગરબાનો પાઠ કરે તો તેને  ચંડીપાઠ કર્યા જેટલું જ પુણ્ય મળે છે.ચંડીપાઠ સંસ્કૃતમાં આવે છે.સંસ્કૃત શ્લોકના ઉચ્ચારણો બધા સ્પષ્ટ રીતે કરી શકે નહીં.જ્યારે આનંદનો ગરબો ગરવી ગુજરાતી ભાષામાં લખાયેલો છે એટલુંજ નહિ પરંતુ માં ભગવતી ના ગુણગાન યોગ્ય રીતે રજૂ કરવામાં આવેલા છે.
*મા અધ્ય નિરંજન એક,અલખ અકળ આણી મા,મા તું થી અવર અનેક વિસ્તરતા જાણી મા*
આ કડી પછી જે વાત અને વર્ણન આવે છે તેમ મા ભગવતી વિશેની અનેક વાતો આવે છે.ગરબાની પ્રત્યેક કડી અર્થપૂર્ણ કહી શકાય તેમ છે.એક એક કડીમાં માતાજીનો મહિમા અને વિશ્વમાંથી આસુરી શક્તિના નાશ માટેનો જગતજનનીનો દ્રઢ નીર્ધાર પણ વ્યક્ત થાય છે.
આ  કડી સાથે શક્તિ ઉતપતિ વિષેનું વિસ્તૃત વર્ણન આવે છે. *મા મેરૂ શિખર મહિમાય,ધોળા ગઢ પાસે મા, મા બાળી બહુચર માય, આદ્ય વસે વાસો  મા*
આ જે દસ લીટી છે તેમાં માતા બહુચરજીનું મહાત્મ્ય સમજાવવામાં આવ્યું છે. માતાજીનો મહિમા અનંત છે તેનું વર્ણન કરાયું છે.આની સાથે ભક્તોને પ્રેરક બળ પણ મળે છે.
*મા મચ્છ કચ્છ વારાહ,નૃસિંહ વામન થઈ  મા                                 મા એ અવતારો તારાહ, તે તે તું  થઈ  મા*
આ  પંક્તિથી શરૂ થઈ લગભગ સો જેટલી લીટીમાં ભગવાન વિષ્ણુના વિવિધ અવતારોનું વર્ણન કરવામાં આવ્યું છે.પહેલા આઠ અવતારનો વિસ્તૃત અથવા ઝાંખી દર્શાવવામાં આવેલ છે. અસુરોના નાશ સહિતના વિવિધ કાર્યોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ તેમ જ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણના જીવન પ્રસંગોને  પણ આવરી લેવાયા છે.આ ગરબાના પ્રત્યેક શબ્દોમાં ભક્તિનો રસ ટપકે છે.આ પ્રસંગે એવું અર્થઘટન કરવામાં આવે છે કે માતા શક્તિના કારણે આ અવતારો થયા હોવાનું પ્રતિપાદિત કરવામાં આવેલ છે.
*મા ભૂત ભવિષ્ય વર્તમાન, ભગવતી તું ભવની મા,                   મા આદ્ય અધ્ય અવકાશ, આકાશે  અવની મા*
આ પંક્તિથી શરૂ કરી ૬૦ કરતા વધુ કડીઓમાં ક્યાં ક્યાં વિસ્તારમાં કઈ કઈ ચીજોમાં આદ્યશક્તિના અસ્તિત્વની વાત કરવામાં આવી છે. સુખ દુઃખ એ સંસાર તારા નિપજાવ્યા હોવાનો ઉલ્લેખ ઘણું બધું કહી જાય છે.સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવે જ છે તેવો સ્પષ્ટ સંકેત કે સંદેશ આપે છે.અત્ર તત્ર સર્વત્ર શક્તિનો વાસ છે, દરેક ઘટના શક્તિ થકી છે.મા શક્તિની ઈચ્છા વગર કશું બનતું નથી કે બગડતું નથી.સર્વ ઘટનાક્રમ શક્તિને આધીન છે.ટૂંકમાં શક્તિનું આગવું મહત્વ સમજાવવમાં આવ્યું છે.
*મા શુધ્ધ કરણ સંસાર,કર ત્રિશુળ લીધું મા ,                                               મા ભૂમિ તણો શિર ભાર, હરવા મન કીધું મા*
અહીંયાથી શરૂ થાય છે માતા બહુચરાજીના પ્રાગટયની કહાણી. આ બાર લીટીમાં માતાજીની ઘણી વાતો ટૂંકમાં કહી દેવાઈ છે. માતાજી બહુચરની અનેક કથા વર્ણવવામાં આવી છે.
*મા પાપી કરણ નિપાત,પૃથ્વી પડ માંહે મા,                                           માં ગોઠયુ મન ગુજરાત ,ભલા ભીડ માંહે મા*
માતાજીએ ગુજરાતના શંખલપુરને પસંદ કર્યું તેના ઉલ્લેખ સાથે માતાજીએ પુરેલા પરચા અને  આસુરી શક્તિના ધ્વંશનો ઉલ્લેખ છે.માતાજીના પ્રાગટય સાથે દેવ અને માનવોમાં  પરસરેલા ઉત્સાહનો ઉલ્લેખ છે. આની સાથે માતાજીના મહત્વનો ઉલ્લેખ છે. જે બાબત ભક્તોમાં આનંદની લાગણી ફેલાતી જોવા મળે છે.
*મા ગુણ નિધિ ગરબો જેહ, બહુચર માત કેરો મા,                          મા ગાયે ભાવે ધરી દેહ, સફળ કરે ફેરો મા*
આ પંક્તિ સાથે શરૂ થતી દરેક કડીઓમાં ગરબો ગાવાથી મળતા ફળની વાત છે.નિર્ધનને ધન, અંધને આંખ, પુત્રવિહોણા ને પુત્ર અને ભક્તિ જંખનારાઓને ભક્તિ ની વાત છે.લગભગ વીસ લીટી સુધી આજ પ્રકારની વાત આવે છે માતાના ગરબાના ફળ વિષે ઘણી બધી વાતો કહેવામાં આવેલી છે.
આ આનંદના ગરબાના છેલ્લા વિભાગમાં માતા બહુચરના ગુણગાન ગાવામાં આવ્યા છે.આ ગરબો બેઠા બેઠા ગાવાનો છે. જોકે હવે ઉપર જણાવી ગયા તેમ અમુક સ્થળે ફરતા ફરતા પણ ગવાય છે.અમદાવાદ સહિત ઘણા સ્થળોએ આ ગરબો ગાનારા મંડળો પણ અસ્તિત્વમાં છે.આ ગરબો માત્ર નવરાત્રીમાં જ ગવાય તેવું નથી . ગમે ત્યારે ગાઈ શકાય છે.આ ગરબાની રચનાને ફાગણ સુદ ત્રીજના દિને ૩૬૮ વર્ષ પુરા થઈ ગયા છતાંય આટલા લાંબા સમય પછી પણ આ ગરબાનું મહત્વ માઇભક્તો માટે જરા પણ ઘટ્યું નથી તે પણ એક હકીકત છે.આ અંગે સૌ સમાન સુર સાથે  કહે છે કે, આનંદનો ગરબો સૌને આનંદમાં રાખે  છે. આ ગરબાની છેલ્લી કડી પણ ઘણી અગત્યની છે.
*મા કરી દુર્લભ સુલભ રહે ,સહુ છેવાડો મા,                                     મા કર જોડી વલ્લભ કહે,  ભટ્ટ મેવાડો મા*
ગરબાના છેલ્લા વિભાગમાં તેના રચયિતા વલ્લભ ભટ્ટ-મેવાડાના નામનો ઉલ્લેખ છે.આ ગરબો અમદાવાદમાં રચાયો છે. અમદાવાદમાં માણેકચોક સહિતના સ્થળોએ  આવેલ બહુચરાજીના મંદિરોમાં ફાગણ સુદ ત્રીજની ભક્તિભાવ સાથે ઉજવણી પણ થાય છે.આ અંગે ઘણા માઇ ભક્તો કહે છે કે સતત ત્રણ દિવસ ગરબો ગાવાથી શરીરમાં ચેતના અને સ્ફૂર્તિ રહે છે.બાકી ઉપર જણાવી ગયા તે પ્રમાણે  ચંડી પાઠ કર્યાનું ફળ તો અવશ્ય મળે છે.