લુણાવાડા શહેરમાં એક ભયાનક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. શહેરની જૂની પોસ્ટ ઓફિસ નજીક રહેતા એક યુવકે અચાનક તેના માતા-પિતા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં પિતાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જયારે માતા ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. હુમલા પછી પુત્રે પોતાનું પણ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.
પ્રાથમિક માહિતી મુજબ, પરિવાર વચ્ચે કોઈ અગમ્ય કારણોસર વિવાદ થતા પુત્રે માતા-પિતા પર હીચકારો હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવકને ગળા અને હાથના ભાગે ઈજાઓ પહોંચાડી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવકને પણ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ઘટનાની જાણ થતાં લુણાવાડા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઈજાગ્રસ્ત માતા અને પુત્રને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પિતાના મૃતદેહને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે લુણાવાડા જનરલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો છે.
પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે અને વધુ વિગતો મેળવવાની પ્રક્રિયા ચાલુ છે. હાલ ઘટના પાછળનું સાચું કારણ જાણવા મળતું નથી, પરંતુ પરિવાર અને નજીકના લોકોના નિવેદનો આધારે તપાસ આગળ વધારવામાં આવશે.









































