” આલે ભીખુ, આ ગયા વરસના પડ્યાં છે, ઈ જ લઈ જા; ફુટે એટલા તારા, બીજા ફેંકી દેજે.”
” હારુ, શેઠ મારો વાલીડો તમને ઘણુંય દે”  પોતાના વીસ રૂપિયા ખર્ચ થતાં બચી ગયા એના હરખથી દુકાનદાર પર મીઠા આશીર્વાદ વરસાવીને ભીખુ ફટાકડાની કોથળી લઈને ઘરે આવ્યો.
ઘરમાં દાખલ થતાં જ ભીખુ બોલ્યો, ” જોવો તો ખરા, મારા વાલીડાવ તમારી હાટુ હું લાવ્યો સુ!”
ત્રણેય છોકરાવ પિતાના હાથમાંની ફટાકડાની કોથળી જોઈને ઉલ્લાસભેર ઝૂમવા લાગ્યા,
“મારા બાપુ, ફટાકડા લાવ્યા… ફટાકડા લાવ્યા…” એમ બોલતાં બોલતાં ફટાકડાની થેલી લઈને
હોંશે હોંશે ત્રણેય છોકરાવ ફળિયામાં ફટાકડા ફોંડવા મંડ્યા, પણ એકેય ફટાકડો બરાબર ફુટતો નો’તો. એ જોઈને મોટો છોકરો બોલ્યો, “બાપુ, આ ફટાકડા તો ઘવરાય ગ્યા સે. એકેય ફૂટતા  નથ.”
“ઓણ સાલ વરસાદ બોવ આવ્યો ઈટલે ખેતરમાં પણ હંધુય ભીંજાય ગ્યું, ઈ જ ઘાર ફટાકડામાં પણ લાગી ગ્યો, દિકરા ”  બોલતાં બોલતાં ભીખુ નો હાથ ખમીજના ખીસ્સામાં પડેલી વીસ નોટ પર સળવળી રહ્યો હતો.