રાજકોટમાં સળગેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવવા મામલે નવો વળાંક આવ્યો છે. મૃતકના ભાઈએ મૃતકની પત્ની પર હત્યા કર્યાનો આક્ષેપ કર્યો છે. તેઓનું કહેવું છે કે મૃતકની પત્ની અને સાવકા પુત્રએ સાથે મળીને તેમના ભાઈની હત્યા કરી નાંખી. મહત્વનું છે કે રાજકોટમાં ગઇ કાલે સળગેલી હાલતમાં રાકેશ અધ્યારૂ નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે ભક્તિનગર પોલીસે ૩૦૨ની કલમ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટના મારુતિનગર વિસ્તારમાં રહેતા રાકેશ અધિયારુ નામના વ્યક્તિની લાશ સળગેલી હાલતમાં તેના ઘરમાંથી જ મળી આવી હતી. કોઠારીયા રોડ હુડકો પોલીસ ચોકી પાછળ આ ઘટના બની હતી. સમગ્ર મામલાની જાણ ભક્તિનગર પોલીસને થતા તાત્કાલિક અસરથી ભક્તિનગર પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. ક્રાઇમબ્રાન્ચની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં કેટલાક લોકોએ રાકેશ અધિયારૂના ઘરે આવી માથાકૂટ કરી હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ તેની સળગેલી હાલતમાં લાશ મળી આવતા પોલીસે તે મામલે પણ તપાસ શરૂ કરી છે. આ મામલે સ્થાનિક પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી.
તો સમગ્ર ઘટના મામલે આશંકાઓ સેવાઇ રહી છે કે ઘરમાં કેટલાક લોકો આવ્યા હતા અને માથાકૂટ થઇ હતી. ત્યારબાદ હત્યાને અંજામ અપાયો. તો બીજી તરફ અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાની આશંકાએ પત્નીએ જ હત્યાને અંજામ આપ્યાનો આક્ષેપ થયો હતો. પોલીસ દ્વારા મૃતકની કોલ ડિટેઇલ્સ રિપોર્ટ તથા વોટ્સએપ ચેટ સહિતની તપાસ પણ કરવામાં આવી રહી છે. સમગ્ર મામલે રાકેશે આત્મહત્યા કરી છે કે પછી કોઈના દ્વારા તેની હત્યા કરવામાં આવી છે તે મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
: