કેન્દ્ર સરકાર ઘઉંની જેમ ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની યોજના બનાવી રહી છે.એક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ, સ્થાનિક ભાવમાં ઉછાળાને રોકવા માટે સરકાર લગભગ છ વર્ષમાં પ્રથમ વખત ખાંડની નિકાસને પ્રતિબંધિત કરી શકે છે. એવું પણ શક્ય છે કે સરકાર આ સિઝનમાં નિકાસને ૧૦ મિલિયન ટન સુધી મર્યાદિત કરી શકે છે.
આપને જણાવી દઈએ કે ભારત વિશ્વમાં ખાંડનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. તે જ સમયે, તે બ્રાઝિલ પછી બીજો નંબરનો સૌથી મોટો નિકાસકાર છે. સપ્ટેમ્બરમાં પૂરા થતા વર્તમાન માર્કેટિંગ વર્ષમાં ભારતે ૧૮ મે સુધીમાં ૭.૫ મિલિયન ટન ખાંડની નિકાસ કરી છે. ભારતમાંથી મોટા આયાત કરનારા દેશોમાં ઈન્ડોનેશિયા, અફઘાનિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, સંયુક્ત અરબ અમીરાત, મલેશિયા અને આફ્રિકન દેશો છે.
માર્કેટિંગ વર્ષ ૨૦૧૭-૧૮, ૨૦૧૮-૧૯, ૨૦૧૯-૨૦માં અનુક્રમે લગભગ ૬.૨ લાખ ટન, ૩૮ લાખ ટન અને ૫૯.૬૦ લાખ ટન ખાંડની નિકાસ કરવામાં આવી હતી. દેશના કુલ ખાંડ ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકનો હિસ્સો લગભગ ૮૦ ટકા છે. દેશના અન્ય મુખ્ય શેરડી ઉત્પાદક રાજ્યોમાં આંધ્રપ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ, ઓડિશા, તમિલનાડુ, બિહાર, હરિયાણા અને પંજોબનો સમાવેશ થાય છે.