મધ્ય પ્રદેશના ગ્વાલિયર શહેરમાં લોકોને સફાઈની દિશામાં પ્રેરિત કરવા માટે એક અનોખો નિર્ણય લેવામાં આવ્યો છે. જે હેઠળ જે લોકો ઘરનો કચરો રસ્તા પર અથવા ખુલ્લામાં ફેંકે છે તેવા લોકોના ઘરની સામે ભજન ગાયક રામધુન ગાશે.
મહત્વનું છે કે, ચાલુ વર્ષના રાષ્ટ્રીય સ્વચ્છતા રેન્કિંગમાં ગ્વાલિયર મ્યુનિસિપલ કોર્પોરેશન પાછળ હતુ. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે રામધુનનો જોપ કરનારા ભજન ગાયકોને ઘરની બહાર મોકલવાનુ પગલુ ઉપાડવાનો ઉદ્દેશ્ય રસ્તા અને ખુલ્લામાં કચરા ફેંકવાના કૃત્ય પર શર્મિદા કરી લોકોને સુધારવાનો છે. તેમ છતાં જો લોકો નિયમ તોડશે તો તેવા લોકો પર દંડ લગાવવામાં આવશે.
ગ્વાલિયર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર કિશોર કાન્યાલે આ અંગે માહિતી આપી. તેમણે કહ્યું કે, કોર્પોરેશનના કર્મચારીઓ વાહનો દ્વારા ઘરે-ઘરે જઇને કચરો એકત્રિત કરે છે. પરંતુ કેટલાંક લોકો હજી પણ પોતાના ઘરની બહાર, રસ્તા પર અથવા જોહેર સ્થળો પર કચરો ફેંકી રહ્યાં છે. તેમણે કહ્યું કે આવા લોકોને વિનંતી કરવામાં આવશે કે તેઓ પોતાના ઘરના કચરાને કોર્પોરેશનના વાહનોમાં નાખે. પરંતુ જો તેઓ પોતાની પદ્ધતિ નહીં બદલે તો ભજન ગાયકોના એક સમૂહને રામ ધૂન સંભળાવવા માટે તેમના ઘરે મોકલવામાં આવશે. જો તેના પછી પણ સ્થિતિમાં ફેરફાર નહીં આવે તો લોકોને દંડ ફટકારવામાં આવશે.
કાન્યાલે કહ્યું કે છેલ્લાં એક અઠવાડિયા દરમ્યાન જીએમસીએ રસ્તા પર કચરો ફેંકનારા લોકો પાસેથી પાંચ લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. તેમણે કહ્યું કે કોર્પોરેશનના લોકોના સહકારથી શહેરમાં ઘરે-ઘરે ૧૦૦ ટકા કચરો ઉપાડવાનું અભિયાન ચાલી રહ્યું છે. યાદ રહે કે રાષ્ટ્રીય સ્વચ્છતા સર્વેક્ષણમાં ગ્વાલિયર ગત વર્ષે ૧૨મા સ્થાનમાંથી નિકળીને ચાલુ વર્ષે ૧૫મા સ્થાને આવી ગયુ છે. મધ્ય પ્રદેશના ઈન્દોરે સતત પાંચમી વખત દેશના સ્વચ્છતા સર્વેક્ષણમાં સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યુ છે જ્યારે રાજ્યની રાજધાની ભોપાલે ચાલુ વર્ષે ૭મુ સ્થાન પ્રાપ્ત કર્યુ છે.