ઓસ્ટ્રેલિયાના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. મેક્સવેલ ૨૦૧૫ અને ૨૦૨૩ માં વનડે વર્લ્ડ કપ જીતનાર ઓસ્ટ્રેલિયન ટીમનો ભાગ હતો. મેક્સવેલે ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬, બિગ બેશ અને અન્ય વૈશ્વીક પ્રતિબદ્ધતાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે.
ગ્લેન મેક્સવેલે પોતાની વનડે નિવૃત્તિ પર કહ્યું, ‘મેં પસંદગીકારો સાથે ૨૦૨૭ વર્લ્ડ કપ વિશે વાત કરી. મેં કહ્યું કે મને નથી લાગતું કે હું તે કરી શકીશ. હું ફક્ત થોડી શ્રેણીઓ સુધી મર્યાદિત રહેવા માંગતો ન હતો અને મારા પોતાના સ્વાર્થી કારણોસર રમવા માંગતો ન હતો.
મેક્સવેલ કહે છે, શરૂઆતમાં મને અણધારી રીતે ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો, તે સમયે હું ફક્ત થોડી મેચ રમવા માટે ઉત્સાહિત હતો. પછી કારકિર્દીમાં ઉતાર-ચઢાવ આવ્યા. ટીમમાંથી બહાર થવું, વાપસી કરવી, વર્લ્ડ કપ રમવું અને કેટલીક મહાન ટીમોનો ભાગ બનવું. મને લાગવા લાગ્યું કે મારા શરીરનો પ્રતિભાવ હવે ટીમ માટે યોગ્ય નથી. મેં જ્યોર્જ બેઈલી (મુખ્ય પસંદગીકાર) સાથે વાત કરી અને પૂછ્યું કે તેમને શું લાગે છે કે, આગળ શું થશે. ટીમ સ્પષ્ટ દિશામાં આગળ વધી રહી છે અને આ નિર્ણયથી તેમને આગામી વર્લ્ડ કપ પહેલા યોગ્ય સંયોજન નક્કી કરવા માટે સમય મળશે.
૩૬ વર્ષીય ગ્લેન મેક્સવેલે ઓસ્ટ્રેલિયા માટે ૧૪૯ વનડેમાં ૩૩.૮૧ની સરેરાશથી ૩૯૯૦ રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેણે ૪ સદી અને ૨૩ અડધી સદી ફટકારી અને તેનો સ્ટ્રાઇક રેટ ૧૨૨૬.૭૦ રહ્યો. મેક્સવેલે વનડેમાં ૪૭.૩૨ ની સરેરાશથી ૭૭ વિકેટ પણ લીધી હતી. મેક્સવેલે વન ડે ઇન્ટરનેશનલમાં એવી ઇનિંગ રમી જે હંમેશા યાદ રહેશે.
૨૦૨૩ ના વનડે વર્લ્ડ કપમાં જ્યારે વાનખેડે સ્ટેડિયમ ખાતે અફઘાનિસ્તાન સામેની મેચમાં ઓસ્ટ્રેલિયાનો સ્કોર ૭ વિકેટે ૯૧ રન હતો ત્યારે મેક્સવેલે જવાબદારી સંભાળી અને સંપૂર્ણ ફિટ ન હોવા છતાં એક અદ્ભુત ઇનિંગ રમી અને કાંગારૂ ટીમને યાદગાર વિજય અપાવ્યો. મેક્સવેલે તે મેચમાં ૧૨૮ બોલમાં ૨૦૧* રન બનાવ્યા જેમાં ૨૧ ચોગ્ગા અને ૧૦ છગ્ગાનો સમાવેશ થતો હતો. ત્યારબાદ મેક્સવેલે કેપ્ટન પેટ કમિન્સ (૧૨*) સાથે આઠમી વિકેટ માટે ૨૦૨* રનની ભાગીદારી કરી અને ટીમને ૨૯૨ રનના લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ કરી. બાદમાં ઓસ્ટ્રેલિયાએ ફાઇનલમાં ભારતને હરાવીને વનડે વર્લ્ડ કપ ૨૦૨૩ જીત્યો.














































