ગ્રીસના ક્રેટ ટાપુના દક્ષિણમાં એક દુઃખદ અકસ્માત સર્જાયો છે. અહીં શરણાર્થીઓને લઈ જતી બોટ ડૂબી જતાં પાંચ લોકોના મોત થયા હતા અને ઘણા લોકો લાપતા છે. કોસ્ટ ગાર્ડે જણાવ્યું કે ચાર શોધ અને બચાવ કામગીરીમાં ૨૦૦થી વધુ લોકોને બચાવી લેવાયા છે. કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર ચારમાંથી ત્રણ ઓપરેશન બંધ કરી દેવામાં આવ્યા છે પરંતુ એક હજુ ચાલુ છે.
ક્રેટની દક્ષિણે આવેલા ગાવડોસ ટાપુ નજીક બોટ ડૂબી જવાની અલગ-અલગ ઘટનાઓના અહેવાલો પછી આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ચોથું અભિયાન, જે હજુ ચાલુ છે, દક્ષિણ પેલોપોનીસ પ્રદેશમાં શરૂ કરવામાં આવ્યું છે. કોસ્ટ ગાર્ડે જણાવ્યું કે સર્ચ ઓપરેશન દરમિયાન ૩૯ લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને ક્રેટ લઈ જવામાં આવ્યા છે. આ દરમિયાન પાણીના વિસ્તારમાંથી પાંચ મૃતદેહો પણ મળી આવ્યા હતા. જે લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા તેઓએ જણાવ્યું કે તેમની બોટમાં મોટી સંખ્યામાં લોકો સવાર હતા.
કોસ્ટ ગાર્ડે કહ્યું કે કુલ નવ જહાજા બચાવ કાર્યમાં લાગેલા છે અને બચાવ કાર્યમાં બે હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી રહી છે. ગાવડોસના દરિયાકાંઠે અન્ય બે ઓપરેશનમાં અનુક્રમે ૪૭ અને ૮૯ લોકોને બચાવ્યા હતા. આ અભિયાનો પૂર્ણ થઈ ગયા છે. તે જ સમયે, પેલોપોનીઝમાંથી ૨૮ શરણાર્થીઓને બચાવી લેવામાં આવ્યા છે.
નોંધનીય છે કે ગ્રીસમાં આ પ્રકારની બોટ દુર્ઘટના પહેલીવાર નથી બની, આ પહેલા પણ અહીં અકસ્માતો થયા છે. આ વર્ષે નવેમ્બર મહિનામાં ગ્રીસના સામોસ ટાપુ પાસે દરિયામાં બોટ ડૂબી જતાં છ બાળકો સહિત આઠ લોકોના મોત થયા હતા. આ અકસ્માત દરમિયાન પરપ્રાંતિયોથી ભરેલી બોટ પણ ડૂબી ગઈ હતી.