સુરતના ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં આરોપી ફેનિલ ગોયાણીને ફાંસીની સજા મળી છે. ફાંસીની સજા મળ્યા બાદ ફેનિલને નવો કેદી નંબર અપાયો છે. ફેનિલ ગોયાણી ૨૨૩૧ નંબરનો કેદી બન્યો છે. હાલ ફેનિલને મેડિકલ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યો છે. આવતીકાલે પાકા કામના કેદીની પ્રક્રિયા પૂર્ણ કરાશે. જ્યાં ફાંસીની સજાવાળા આરોપીઓની બેરેકમાં રાખવામાં આવશે.
અત્રે નોધનીય છે કે ગ્રીષ્મા હત્યાકેસમાં ગતરોજ ગુરુવારના દિવસે આરોપી ફેનિલને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આ કેસના ચુકાદાને ગ્રીષ્માના પરિવાર સહિત લોકોએ પણ આવકાર્યો હતો. તો સમયસર ન્યાય મળ્યાનો સંતોષ પણ આંખોમાં જાવા મળતો હતો.
આ ચુકાદાથી આરોપી ફેનિલ ગોયાણીના વકીલ ઝમીર શેખે જણાવ્યુ હતું કે તેઓ કોર્ટના આ ચુકાદાથી સંતુષ્ટ નથી. હાઈકોર્ટમાં અપીલ કરીશું. કોર્ટે ચુકાદામાં કેટલીક રજૂઆતો-પુરાવાઓ ધ્યાને ન લીધા હોવાની વાત જણાવી હતી.
ગ્રીષ્માના પરિવારને ઘટનાના માત્ર ૮૧ દિવસમાં ન્યાય આપી દેવામાં આવ્યો છે. ત્યારે હર્ષ સંઘવી ગ્રીષ્માના પરિવારને મળશે. આ અંગે ગૃહરાજ્યમંત્રીએ ખુદ ટ્‌વીટ કરી માહિતી આપી છે.
સુરતના ચકચારી એવા ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટ દ્વારા આરોપી ફેનિલને ફાંસીની સજા ફટકારવાનો હુકમ કર્યો છે. છેલ્લા કેટલાંય દિવસોથી ચાલતી આ ટ્રાયલમાં કોર્ટ દ્વારા ૧૦૫ જેટલા સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. ૧૦૫ સાક્ષીઓની જુબાની સાથે આરોપી દ્વારા સરાજાહેર હત્યા કરતા પહેલા અન્ય બે વ્યક્તિઓને પણ ઇજા પહોંચાડવામાં આવી હતી. આ ઉપરાંત કોર્ટે ચુકાદમાં જાહેરમાં લોકોમાં ડર પેદા કરવાનો પણ પ્રયાસ કરાયો હોવાથી કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ તરીકે લીધો હતો. આ કેસમાં કોર્ટે કેટલીક મહત્વની વસ્તુઓ ટાંકી હોવાથી ફાંસીની સજા સંભળાવી છે. ગ્રીષ્મા વેકરિયા કેસમાં આરોપીની ધરપકડ બાદ માત્ર પાંચ દિવસમાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટ દ્વારા પણ આ કેસમાં રોજીંદી ટ્રાયલ કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આશરે ૫૦૦ પાનાંનો ચુકાદો આપવામાં આવ્યો છે.