થોડા વર્ષો પહેલા જ સુરત શહેરનો ગ્રીષ્મા હત્યાકાંડ ભારે ચર્ચામાં આવ્યો હતો. જેમાં એકતરફી પ્રેમીએ જ યુવતીની ઘાતકી રીતે હત્યા કરી નાંખી હતી. આવો જ કિસ્સો ફરી બન્યો છે. આ વખતે સુરતને બદલે સુરેન્દ્રનગરમાંથી આવો હિચકારી કિસ્સો સામે આવ્યો છે. શહેરના વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં ધોળા દિવસે અમન રાઠોડ નામના યુવાને પાયલબેન સોલંકીને છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી છે. વઢવાણ પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. તો બીજી બાજુ મૃતક દીકરીના પરિવારજનોમાં ભારે આક્રોશ છવાયો છે. પરિવારજનોએ આક્રોશ ઠાલવતા જણાવ્યું છે કે, જ્યાં સુધી હત્યારા યુવકની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે લાશ સ્વીકારવી નહીં.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, પાયલબેન સોલંકી ઘરેથી નોકરીએ જઈ રહ્યા હતા. તે દરમિયાન અમન રાઠોડ નામનો યુવાન તેના ઘર પાસે પહોંચ્યો હતો. તે દરમિયાન અમને પાયલને છરીના ચારથી પાંચ ઘા ઝીંકી દીધા હતા. જેનાથી તે ગંભીર ઇજાગ્રસ્ત બની હતી. જે બાદ યુવતીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

પ્રેમિકાની હત્યા મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આરોપી પ્રેમી અમન રાઠોડ વિરુદ્ધ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરતા સામે આવ્યું હતું કે, અગાઉ પણ બંને પ્રેમી પંખીડાઓ ઘરેથી ભાગી ગયા હતા. હવે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી. યુવતીના પરિવારજનોની માંગ છે કે, આ અમનને ફાંસીની સજા થવી જોઈએ. આને પકડી પાડીને ફુલેકું ફેરવવું પડશે. અમારી આર્થિક પગભર છોકરીની હત્યા કરી નાંખ્યું તો હવે અમારા ગરીબ માણસોનું શું થશે?