અમરેલી જિલ્લામાં યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણી-૨૦૨૫ માટે આદર્શ આચારસંહિતાનો કડક અમલ કરવા જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ દિલીપસિંહ ગોહિલે જાહેરનામું બહાર પાડ્યું છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ ફરમાવાયેલા આદેશ મુજબ, ચૂંટણી પ્રચાર માટેના ચોપાનિયા, ભીંતપત્ર, હેન્ડબિલ સહિતની સામગ્રીના મુદ્રકો અને પ્રકાશકોએ નિયમોનું પાલન કરવું પડશે. પ્રકાશન સામગ્રી પર મુદ્રક અને પ્રકાશકનું નામ-સરનામું, છાપેલ પ્રતની સંખ્યા દર્શાવવી ફરજિયાત છે. ર્હોડિંગ્સની સાઈઝ ૧૫ટ૧૮ ફૂટ અને કટઆઉટની ઊંચાઈ ૮ ફૂટથી વધુ ન હોવી જોઈએ. ધર્મ, જાતિ કે ભાષા આધારિત અપીલ અથવા ચારિત્ર્ય ખંડન કરતા લખાણો પર પ્રતિબંધ મુકાયો છે. મુદ્રકે પ્રકાશક પાસેથી મેળવેલ એકરારપત્ર જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી અને સંબંધિત ચૂંટણી અધિકારીને ત્રણ દિવસમાં રજૂ કરવાનું રહેશે. આ આદેશ ૨૭.૦૬.૨૦૨૫ સુધી અમલમાં રહેશે અને ભંગ કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ કલમ-૨૨૩ હેઠળ શિક્ષાપાત્ર થશે.







































