અમરેલી જિલ્લામાં આગામી ૧૯મી ડિસેમ્બરે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે. ચૂંટણી પ્રક્રિયામાં કોઇ અડચણ ઉભી ન થાય અને તટસ્થ, ન્યાયિક અને પારદર્શક રીતે મતદાન પૂર્ણ થાય તે માટે અમરેલી જિલ્લામાં પોલીસ દ્વારા કુલ પ,૮૪૬ શખ્સો સામે વિવિધ કલમો હેઠળ અટકાયતી પગલા લેવામાં આવ્યા છે. રરમી નવેમ્બરના રોજ ચૂંટણીની જાહેરાત થઇ હતી. ત્યારથી પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. ગઇકાલ તા. ૧રમી ડિસેમ્બર સુધી જિલ્લાના માથાભારે અને અગાઉના ગુનામાં સંડોવાયેલ હોય તેવા પ,૮૪૬ ઇસમો વિરૂધ્ધ ક્રિમીનલ પ્રોસીઝર કોડ, પ્રોહિબીશન એક્ટ, ગુજરાત પોલીસ એક્ટ તથા પાસા એક્ટ મુજબ અટકાયતી પગલા લેવાયા છે.
જિલ્લાના લિસ્ટેડ હિસ્ટ્રીશીટર, લિસ્ટેડ પ્રોહિબીશન બુટલેગર, જાણીતા જુગારીઓ સહિત પોલીસ ચોપડે અવારનવાર ચડતા આવા ઇસમો પર સતત ચેકિંગ શરૂ રાખવામાં આવ્યું હતું. પરવાનાધારકો પાસેથી હથિયારો જમા લેવામાં આવ્યા હતા. તેમજ કોર્ટમાં મુદ્દતે હાજર ન રહેતા હોય તેવા આરોપીઓ તથા સાહેદો સામે ઇસ્યુ કરાયેલ બિન જામીનલાયક વોરંટની બજવણી કરવામાં આવી હતી. આ રીતે જિલ્લા પોલીસ દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી ચૂંટણીની જાહેરાત થઇ ત્યારથી જ શરૂ કરી દેવામાં આવી હતી.
રર-નવે.થી ૧ર-ડિસે. સુધીમાં દારૂનું સેવન, પરિવહન, સંગ્રહ અને વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ પ્રોહિ. ધારા હેઠળ કુલ ૧૭૧ર કેસો કરવામાં આવ્યા છે. જેમાં ૧ર૪૬ લિટર દેશી દારૂ, ૭૩ બોટલ વિદેશી દારૂ, ઉપયોગમાં લેવાયેલ ૮ વાહનો મળી કુલ રૂ. પ,૧૭,૭૮૭નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.