મહાભારતમાં શાંતિદૂત બનીને ધૃતરાષ્ટની સભામાં વિષ્ટિકાર બનીને આવેલા ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવો વતી ઇન્દ્રપ્રસ્થની અવેજીમાં માત્ર પાંચ ગામ માંગેલા. જો કે દુર્યોધને ના પાડેલી. મહાભારતમાં ગ્રામ અને ઘોષ નામે સત્તાના નાના વિકેન્દ્રીકરણના એકમનો ઉલ્લેખ છે. દસ ગામનું જૂથ અને તેનો વડો “દસગ્રામીણી”, સો ગામનો વડો “શતગ્રામીણી” અને હજાર ગામનો વડો “અધિપાલ” કહેવાતો. આમ મહાભારત કાળમાં પણ સત્તાનું વિકેન્દ્રીકરણ ગામડા સુધી થયેલું હતું. આધુનિક સમયમાં અંગ્રેજકાળમાં ૧૮૮૨માં લોર્ડ રીપને ખરડો પસાર કરીને આપણી હાલની અને ત્યારની ભાવિ સ્થાનિક સ્વરાજ સંસ્થાઓના સિદ્ધાંતો રચી આપ્યા. એટલે જોવા જઈએ તો લોર્ડ રીપન આપણા સ્થાનિક સ્વરાજની સંસ્થાના આદ્યસ્થાપક થાય. પછીથી ગાંધીજીએ વખતોવખત ગ્રામસ્વરાજ, પંચાયતીરાજ વિષે લખ્યું અને બોલ્યા. બાપુના ખ્યાલે ભારતનું હરેક ગામ રાજઅમલની પુરેપુરી સત્તા ધરાવનારું સંપૂર્ણ પ્રજાસતાક કે પંચાયત હોય એવી કલ્પના કરેલી અને કહેલું કે ભારતનો આત્મા ગામડામાં વસે છે. ત્યારબાદ બંધારણ ઘડતી વેળા માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાજ્યોને આદેશાત્મક ખ્યાલ આપ્યો અને બળવંતરાય મહેતા જેવા સ્વાતંત્ર્યસેનાની અને ગાંધીજન દ્વારા સ્વરાજ્યના ગાંધીવિચારને સાથે વણીને ત્રિસ્તરીય મૂર્તિમંત સ્વરૂપ આપવામાં આવ્યું. અને ૧૯૯૩ના ૭૩મા સીમાચિન્હરૂપી બંધારણીય સુધારાથી આપણે મહિલાઓને સત્તામાં ૩૩% હિસ્સેદારી પણ આપી, વંચિત વર્ગોને સત્તાની સહભાગીદારીરૂપે અનામત આપી. આ યાદ કરવાનું ટાણું લાગલું એ થયું કે હમણાં થોડા સમય ઉપર જ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તારીખો જાહેર થઇ. પંચાયતીરાજ ગુજરાતમાં લાગુ કર્યાના આશરે છ દાયકા બાદ હવે આ માળખાના લાભાલાભ કે યથાર્થો ચર્ચવાનો સમો હાલ ઉચિત જણાઈ આવે છે.
પંચાયતીરાજના પરિણામો કે નિષ્કર્ષ ચકાસતા પહેલા જે ઉમદા ઉદ્દેશો માટે આ માળખું રચવામાં આવ્યું હતું એ જોઈએ તો પહેલું તો સત્તાનું વિકેન્દ્રીકરણ અને તેના આધારે દેશની ગ્રામ્ય જનતાના હાથમાં સત્તા અને અધિકારોની સાચા અર્થમાં સોંપણી, બીજું બહુજનસમાજની શક્તિઓનો તેના પોતાના અને સામુદાયિક કલ્યાણ માટે સુચારુ ઉપયોગ, ત્રીજું સ્થાનિક પંચાયતી સંસ્થાઓને નાણાકીય અને તેના આયોજનની સત્તા વિ. આ ઉપરાંત સિદ્ધ થવા યોગ્ય ઉદ્દેશોમાં સત્તાના નાના એકમો દ્વારા નીચેના સ્તરેથી રાજકીય અને સમાજજીવનની પ્રતિભાઓની સામેલગીરી અને વિકાસ, ગ્રામપંચાયતથી સામેલ કરીને લોકસભા સુધીમાં સામાન્ય નાગરિકોનું લોકશાહીમાં વિશ્વાસનું દ્રઢીકરણ જેવા મુખ્યત્વે ગણી શકાય. ગુજરાત સંદર્ભે ઉપરના ઉદ્દેશોની મુલવણી કરીએ તો એકલદોકલ ઉદાહરણ બાદ કરતા નિરાશા હાથ લાગે છે. વિકાસનું કે લોકશાહી મુલ્યોની પાયાની પ્રસ્થાપનાનું એકમ બનવાને બદલે ગ્રામ પંચાયતો ભ્રષ્ટાચારનું ઉદભવસ્થાન અને રાજકીય દાવપેંચનો અખાડો બની રહી છે મહદઅંશે. ગ્રામ્ય સ્તરે જડ ઘાલી ગયેલી રાજકીય ટાંટિયાખેચને લઈને પ્રબુદ્ધ નાગરિકો ગામ વહીવટમાં રસ દાખવતા નથી. કાદવ ઉછાળ રાજકીય પ્રવૃતિઓ અને અનિષ્ટ તત્વોની સક્રિયતાને લઈને ગામ કક્ષાએ સારા માણસો આ ક્ષેત્રે પ્રવૃત થતા નથી. ગામકલ્યાણને બદલે સત્તાનો કબજો કરવાની હોડ લાગી છે. પરિણામે જે સત્તારૂઢ થાય છે એ ગામ વિકાસને બદલે અન્ય ભળતા ઉદ્દેશો સિદ્ધ કરવા લાગે છે. અથવા તો ગ્રામ વિકાસને બદલે પોતાના અંગત વિકાસના ઉદ્દેશો લઈને જ સત્તા પર આવે છે. સામાન્ય વહીવટ ચલાવવા સરકાર તરફેના પ્રતિનિધિ તરીકે તલાટીની સંખ્યા સૂક્ષ્મદર્શક યંત્ર લઈને શોધવી પડે તેટલી પાંખી છે.
આપણે સ્ત્રીઓને અનામત આપી છે. પરંતુ સ્ત્રીના હાથમાં આ સત્તા જવાના બદલે આપણે “સરપંચપતિ” જેવા શરમજનક રાજકીય શબ્દનું અન્વેષણ કરીને સ્ત્રીશક્તિ અને સ્ત્રી અનામતનો ઉપહાસ કર્યો છે. ગ્રામપંચાયત સ્તરે તો સ્ત્રીઅનામત મોટાભાગે મજાક બની રહી છે. સ્ત્રીને માત્ર નામની ખુરશી પર બેસાડીને તેના પતિદેવો સરકારી કામોના ઈજારદાર કે કોન્ટ્રાકટર બની ગયા છે. ચૂંટાયેલી સ્ત્રી પ્રતિનિધિ મોટાભાગે સહી કરવા કે અંગુઠો મારવા કાર્યાલયે આવે છે. જે ભ્રષ્ટાચાર દિલ્હી કે ગાંધીનગર થતો એ થોડા ઘણા પ્રમાણમાં ગામડે ધકેલ્યો છે. આજે સરકારે વિશાળ નાણાકીય સ્વાયતતા પંચાયત સ્તરે આપી દીધી છે. ગ્રામવિકાસ માટે નાણાની મોટાપાયે ફાળવણી અને એ નાણાની સ્થાનિક સ્તરે ખર્ચની સત્તા અને સ્વાયતતા સાથે એ સ્તરે વ્યવસ્થા અને યોગ્ય નિરીક્ષણના અને પ્રજાકીય જાગૃતિના અભાવે નવાસવા પ્રવેશ પામતા રાજકીય કારકિર્દી વાચ્છુંઓને પંચાયતીરાજ ભ્રષ્ટાચારની પ્રાથમિક તાલીમ કેન્દ્રની ગરજ સારે તેવું તંત્ર ગોઠવાઈ ગયું છે. ગુજરાત જેવા રાજ્યોએ નાણા ખર્ચીને રસ્તા, વીજળી, પાણી (સ્વચ્છ પાણી અભિપ્રેત નથી) જેવી પ્રાથમિક સુવિધાઓ તો પહોચાડી દીધી છે પરંતુ સ્વચ્છતા, આરોગ્ય, ખેતી, રોજગાર, શિક્ષણ ક્ષેત્રે હજુ જે મજલ કપાવી જોઈએ તે હજુ પણ બાકી ખાતે બોલે છે. ગ્રામ્યક્ષેત્રના દવાખાનાઓમાં ડોક્ટરનું પ્રમાણ ચિંતાજનક રીતે ઓછું છે. ખેતીમાં પુષ્કળ પ્રમાણમાં પ્રચ્છન્ન બેકારી છે. શહેરો સાથે ગામડા માત્ર રોડથી જ જોડાયેલા છે. જેમાં લોકભાગીદારી અનિવાર્ય છે એવા ક્ષેત્રોમાં હજુ ખેડાણ બાકી છે, લોકજાગૃતિ બાકી છે. માત્ર વ્યવસ્થા ઉભી કરીને કે નાણા ખર્ચી બતાવીને મત બટોરવાની શાસકોની ખોરી નીતિને લીધે આ ક્ષેત્રો કંગાળ કહી શકાય એવી સ્થિતિમાં રહી જવા પામ્યા છે. સારી આરોગ્ય વિષયક સેવાઓ કે શિક્ષણ માટે ગામડા આજે પણ સંપૂર્ણપણે શહેરો પર આધારિત છે. ખેતી કુદરત અથવા તો સબસિડી આધારિત છે. ગામડાનો પ્રાણ એવી ખેતી આજે પણ પરંપરાગત અવસ્થામાં જ છે. એક બે ક્રાંતિ કરીને સરકાર પગ વાળીને બેસી ગઈ છે. ૨૦૨૨માં ખેડૂતોની આવક બમણી કરવા ધારતી સરકાર આ ઉનાળે પાણીકાપ રહેશે તેવી જાહેરાત પણ કરે છે. જીવાદોરી નર્મદા સુકાતા નેતાઓના ગળામાં શોષ પડી જાય છે. લખલૂટ નાણા ખર્ચીને હજુ ગામડાઓ માટે યોગ્ય જળવ્યવસ્થાપન ઉભું નથી થઇ શક્યું. જ્યાં સુધી વિધાનસભા અને લોકસભામાં ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારના મત સામસામે મુકાય છે ત્યાં સુધી ગામડાઓમાં શસક્ત પંચાયતોનું નિર્માણ શક્ય નથી. શહેરોની થોકબંધ મતબેંક સામે ગામડાની છૂટક મતબેંક હારી રહી છે. આ બધું નબળી પંચાયતી નેતાગીરીને આભારી છે. મોટાભાગે પંચાયત કક્ષાના નેતાઓ આજે પણ વિધાયકોના કે જિલ્લા કક્ષાના નેતાઓના જુનિયરનો રોલ અદા કરે છે. તેઓ મોટાભાગે ઉપલી હરોળના નેતાઓના આશ્રિત બની રહે છે અને એની આભામાંથી બહાર આવી શકતા નથી. ભ્રષ્ટાચારમાં ઉપર નીચેની કેડરની માંહેમાંહેની જેવી સાઝેદારી છે તેવી જનકલ્યાણના કાર્યોમાં ઝટ દઈને દીસતી નથી.