અમરેલી જિલ્લાનું રાજકારણ હંમેશા ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર રહ્યું છે. અમરેલીની અસર સુરત અને અમદાવાદમાં પણ થાય છે. સામાન્ય રીતે રાજકીય પક્ષના નેતાઓ એકબીજા પર પ્રહાર જ કરતાં હોય છે, પરંતુ ઘણી વખત તેમની એવી તસવીરો સામે આવતી હોય છે કે લોકોને માનવામાં પણ નથી આવતું. એકબીજા વિશે ઘસાતું બોલનારા નેતાઓ બીજા દિવસે સાથે બેસીને ચા-પાણી નાસ્તો કરતા પણ જોવા મળતાં હોય છે. આવું જ કઈંક અમરેલીમાં જોવા મળ્યું હતું. અમરેલી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના ઢોલ લાગી ચૂક્યા છે. ગ્રામ પંચાયતની ચૂંટણી આમ પણ ગામના લોકો વચ્ચે જ યોજાતી હોય છે ત્યારે તેમાં પણ રાજકીય તાકાત બતાવવાનો ટ્રેન્ડ હવે શરૂ થયો છે. જિલ્લામાં હાલ એક મોટા નેતાના નજીકનો વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં તેઓ અશિષ્ટ ભાષાનો પ્રયોગ કરતાં પણ જણાય છે. ચૂંટણીના ગરમાવા વચ્ચે અમરેલીના કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણી અને ભાજપના કૌશિક વેકરિયા એક કાર્યક્રમમાં સાથે જોવા મળ્યા હતા. જેમાં તેઓ બંને નજીકમાં બેસીને ગુફતેગુ કરતા હતા. પરંતુ આ તસવીર બાદ એક વાત સ્પષ્ટ છે કે રાજનેતાઓ ભલે જાહેરજીવનમાં પક્ષને લઈ એકબીજા પર વાકબાણ છોડતા હોય પરંતુ રૂબરું મળે ત્યારે બધુ ભૂલીને સામાન્ય લોકોની જેમ વર્તન કરે છે.
આ રાજકીય આગેવાનોએ સંજાગ ન્યૂઝને જણાવ્યું હતું કે, હાલમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનો દોર ચાલુ છે ત્યારે ચૂંટણીને અંગત જીવનમાં દાખલ ન કરી એકબીજા પ્રત્યે કોઇ રાગદ્વેષ ન રાખે. આગેવાનોએ ગામડાઓનું વાતાવરણ ન બગડે તે બાબતે તમામ લોકો કાળજી રાખે તેવી અપીલ પણ કરી હતી.