અમરેલી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઉમેદવારો હાલ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. આજના આધુનિક સમયમાં ઉમેદવારો અને ખાસ કરીને યુવા ઉમેદવારો સોશિયલ મીડિયાના સહારે પ્રચાર કરી રહ્યા છે. અમરેલી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે. દરરોજ રાત્રે ગામના ચોરે ખાટલા પરિષદમાં ગામની ચૂંટણીની ચર્ચાઓ થાય છે. હાલ શિયાળાની ઠંડી પડતી હોય ત્યારે લોકો તાપણાં કરીને ચૂંટણીની વાતો કરતા નજરે પડે છે. ઠંડીના વાતાવરણમાં પણ ચૂંટણીને કારણે ગરમાવો ફેલાયો છે. ચૂંટણી જાહેર થતા જ ઉમેદવારો પણ ‘રાત થોડીને વેશ ઝાઝા’ એવા માહોલમાં ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. જિલ્લાના ૧૧ તાલુકામાં કુલ ૫૨૭ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે ત્યારે ગ્રામ પંચાયતમાં સરપંચ બનવા માટે ઉમેદવારોમાં રીતસરની હોડ લાગી છે. ભાજપ અને કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારોએ પોતાની પેનલો ઉતારી છે અને પોતાની પેનલને મતદારો મત આપે અને વિજયી બનાવે તેવી પોસ્ટ હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહી છે. રાતના સમયે ભજીયા, ગાઠીયા, રીંગણાનો ઓળા સાથે બાજરાના રોટલા સહિતની જ્યાફત સાથે સોશિયલ મીડિયાના સહારે ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે. વોટ્‌સએપ, ફેસબુક, ટિ્‌વટર જેવા સોશિયલ મીડિયાના માધ્યમોમાં પોતાના ફોટા સાથે પોતાનું નામ અને ચૂંટણી ચિહ્ન મૂકી પોતાનો પ્રચાર કરી રહ્યા છે. આગામી દિવસોમાં મતદાન પહેલાં ઉમેદવારો પ્રચારમાં કોઈ કસર બાકી રાખવા માંગતા નથી. પોતાના ફોટા સાથે ગામમાં વિકાસના કામો કરવાના વચન સાથે મતદારોને આકર્ષવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયા કોને કેટલું ફળદાયી નીવડે છે તેની આગામી તારીખ ૨૧ના રોજ મતગણતરી થયા બાદ ખબર પડી જશે.