અમરેલી જિલ્લામાં યોજાનાર ગ્રામ પંચાયતની સામાન્ય-વિભાજન-મધ્યસત્ર અને પેટા ચૂંટણી-૨૦૨૫ અંતર્ગત ચૂંટણી હેઠળના વિસ્તારમાં મતદાન પૂર્ણ થવાના સમય પહેલાના ૪૮ કલાક પહેલાં ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ ફરમાવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામુ બહાર પાડી પ્રતિબંધાત્મક આદેશ કર્યો છે. આ જાહેરનામા મુજબ, ચૂંટણી મતદાન પૂર્ણ થવાના સમય પહેલા એટલે કે, તા.૨૦ જૂન, ૨૦૨૫ના સાંજે ૬.૦૦ કલાકથી ચૂંટણી સંબંધમાં કોઈ જાહેર સભા બોલાવી શકાશે નહિ. સંબોધન કરી શકાશે નહિ, સરઘસ કાઢી શકાશે નહિ અથવા તેવી સભામાં હાજરી આપી શકાશે નહિ. સિનેમેટોગ્રાફી, ટેલિવીઝન, એલ.ઈ.ડી. અથવા આવા અન્ય સાધનોની સહાયથી ચૂંટણી સામગ્રી જાહેરમાં પ્રદર્શિત કરી શકાશે નહિ. મતદાન વિસ્તારમાં જાહેર જનતાને આકર્ષવાની દ્રષ્ટિએ જાહેરમાં કોઈ સંગીતનો જલસો, થિએટર, મનોરંજન કાર્યક્રમ કે સમૂહ ભોજન સહિતના કાર્યક્રમો યોજીને કે યોજવા માટેની વ્યવસ્થા કરી આપીને ચૂંટણી પ્રચાર કરી શકાશે નહિ.