લાઠી તાલુકાના જરખીયા અને કેરાળા વચ્ચેના રાજ્ય ધોરીમાર્ગ પર રૂ. ૩ કરોડ ૩૦ લાખના ખર્ચે નવો ડામર રોડ મંજૂર કરાવી ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ વિસ્તારના લોકોને એક મોટી વિકાસ ભેટ આપી છે. આ રોડ પરિયોજનાથી વર્ષોથી કાચા રસ્તાઓથી પીડાતા સ્થાનિક લોકોમાં ખુશીનો સંચાર થયો છે. ગાંધીનગરથી વિકાસની સરવાણી ચાલુ રખાવતા ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળીને વિધાનસભા વિસ્તારના રસ્તાઓ, નાળાઓ અને પુલોના નવીનીકરણ માટે ગંભીર રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ તેમની રજૂઆત પર ગંભીરતાથી ધ્યાન આપ્યું અને વિકાસના કામોને મંજૂરી આપી. આ નવા ડામર રોડ ઉપરાંત, લાઠી-બાબરા-અમરેલી વિસ્તારના સર્વાંગી વિકાસ માટે સાંસદ ભરતભાઈ સુતરીયા સાથે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જિલ્લા પંચાયતના રસ્તાઓ, નાળાઓ અને કોઝવે નવા બનાવવા કે રીપેર કરવાની જરૂરિયાત ઊભી થઈ હોવાથી ધારાસભ્ય જનકભાઈએ સ્થાનિક જનતાની સમસ્યાઓને પ્રાધાન્ય આપ્યું છે.