મધ્યપ્રદેશના સિવની જિલ્લામાં ગૌહત્યાની શંકામાં ૧૫-૨૦ લોકોના જૂથ દ્વારા કથિત રીતે હુમલો કરવામાં આવતા બે આદિવાસીઓના મોત થયા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. પોલીસ સૂત્રોએ મંગળવારે હત્યાની પુષ્ટિ કરી છે. પોલીસે જણાવ્યું કે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ કેસમાં ફરિયાદી અને ભાજપ શાસિત રાજ્યમાં વિપક્ષ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે હુમલાખોરો બજરંગ દળના છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે કુરાઈ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સિમરિયામાં સોમવારે
બપોરે ૨.૩૦ થી ૩ વાગ્યાની વચ્ચે બનેલી આ ઘટનાના સંબંધમાં લગભગ ૨૦ લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
ઘટના બાદ કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન સિંહ કાકોડિયાના નેતૃત્વમાં એક જૂથે જબલપુર-નાગપુર હાઈવે પર ધરણા શરૂ કર્યા હતા. સિઓનીના પોલીસ અધિક્ષક અને અન્ય અધિકારીઓએ વિરોધ સ્થળની મુલાકાત લીધી હતી. અધિક પોલીસ અધિક્ષક એસકે મારવીએ મીડિયાને જણાવ્યું કે “બે આદિવાસીઓના મોત થયા છે. આરોપ છે કે ૧૫-૨૦ લોકોનું એક જૂથ પીડિતોના ઘરે ગયું અને ગાયની હત્યા કરવાનો આરોપ લગાવીને હુમલો કર્યો. હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ બે લોકોના મોત થયા હતા. અન્ય એકને સામાન્ય ઈજાઓ છે.
મારવીએ કહ્યું કે કુરાઈ પોલીસ સ્ટેશનમાં હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસ ટીમ આરોપીને શોધી રહી છે. કેટલાક આરોપીઓના નામ (ફરિયાદમાં) છે અને અન્ય અજાણ્યા છે. અમે બે-ત્રણ શંકાસ્પદોની અટકાયત કરી છે. પીડિતોના ઘરેથી લગભગ ૧૨ કિલોગ્રામ માંસ મળી આવ્યું છે. ઘટનામાં ઘાયલ ફરિયાદી બ્રજેશ બટ્ટીએ જણાવ્યું હતું કે ટોળાએ સાગરના રહેવાસી સંપત બટ્ટીને અને સિમરિયાના રહેવાસી ધનસાને લાકડીઓ વડે માર માર્યો હતો. ઘટનાસ્થળે પહોંચી તેને પણ માર માર્યો હતો. ઘટનાના વિરોધમાં ધરણા પર બેઠેલા કોંગ્રેસના ધારાસભ્ય કાકોડિયાએ દાવો કર્યો હતો કે બજરંગ દળના સભ્યો હુમલાખોરોમાં સામેલ હતા અને જમણેરી સંગઠન પર પ્રતિબંધની માંગ કરી હતી.
તેમણે કહ્યું કે દરેક પીડિત પરિવારને એક કરોડ રૂપિયા અને સરકારી નોકરી આપવામાં આવે. દરમિયાન કોંગ્રેસે આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ અને દોષિતો સામે ઝડપી કાર્યવાહીની માંગ કરી છે. મધ્ય પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ કમલનાથે ટ્‌વીટ કર્યું કે, “હું સરકાર પાસેથી માંગ કરું છું કે આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસની જાહેરાત કરીને, દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. પીડિત પરિવારોને શક્ય તમામ મદદ કરવામાં આવે અને ઇજાગ્રસ્ત યુવકોની સારવારની સમગ્ર વ્યવસ્થા સરકારી ખર્ચે કરવામાં આવે.
ઉલ્લેખીય છે કે, મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ગઇકાલે જણાવ્યું હતું કે, ભગવાન પરશુરામજીએ આપણા ધર્મની રક્ષા માટે આપણને શક્તિ અને હિંમત આપી છે. સમાજમાં આવા દુષ્ટ-પાપીઓ છે, જેઓ દીકરીઓ અને †ીઓ પર ખરાબ નજર રાખે છે, તેમને જેલમાં પૂરવા પૂરતું નથી. ત્યારે પરશુરામ જી પ્રેરણા આપે છે કે, આવા દુષ્ટોને કચડી નાખવા જાઈએ. શિવરાજસિંહ ચૌહાણના આ નિવેદન બાદ આ ઘટના ઘટી છે.