ચોવીસ વર્ષ પહેલાંની ચોપાટ રમવાં.
હવે દીપમાલા કરગરી રહી..
“જુઓ..! એ દિવસો ભૂતકાળનાં ભંડકિયામાં બાષ્પીભવન થઈ ગયા છે.
એ કોઈ બેંકમાં મૂકેલી એફ.ડી. નથી કે.. ગમે ત્યારે વટાવી શકાય.
અને એનો અત્યારે કોઈ મતલબ પણ નથી.
અત્યારે, તમારો પણ.. સંસાર હશે. અને મારો પણ.. પરિવાર છે.
આ શાંત જળમાં કાંકરીચાળો શા માટે કરવો છે..?”
ખંધુ હસતાં લવજીભાઈ બોલ્યા..
“ મારા માટે તો એ.. એફ.ડી. કરતાં’ ય વિશેષ સાબિત થઈ શકે એમ છે.”
“ એટલે તમે કે’ વા શું માંગો છો..?”
“ બસ..! બન્નેના સંસાર સુખમય ચાલતાં રહે.
આ કામ થઈ જાય
એટલે.. પછી..! તું તારા રસ્તે અને હું મારા રસ્તે.”
“ પણ..! મારે કરવાનું શું..??”
દીપમાલાને હવે કંઈક ષડયંત્રની ગંધ આવવાં લાગી.
“ બસ..! ખાસ કંઈ કરવાનું નથી. તમે જે લંકેશ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. એ ફરિયાદ પરત ખેંચવાની છે.
આટલું નાનું અમથું કામ થઈ જાય અને વાત પૂરી.”
લવજીએ હસતાં હસતાં પ્રપોઝલ જણાવી.
થોડીવાર વિચાર કરી દીપમાલાએ કહ્યું..
“અને.. ધારો કે.. અમે ફરિયાદ પાછી ના ખેંચીએ તો..!?”
“ તો.. ઓ.. તો.. ઓ..! એવું ના બની શકે દીપુ ..!! “
અને પછી ખડખડાટ હસતાં લવજી બોલ્યો..
“ તો પછી ન થવાનું થશે, ન જોવાનું જોવાશે અને ન કરવાનું કરવામાં આવશે.”
દીપમાલાને લાગ્યું કે.. હવે આ નપાવટ છેલ્લી પાટલીએ બેસી ગયો છે. છતાંય એ બોલી..
“ નાના.. પણ..! છેવટે તમે કરી કરીને કરશો શું..!? અને તમારૂં માનશે કોણ..??”
“દીપુ..! તું એ ભૂલે છે કે.. એ વખતનાં મોંઘા ભાવનાં જાત જાતનાં અને ભાત ભાતનાં બધાં જ ફોટાઓ હજી અકબંધ પડ્યાં છે.
શું ખબર એનો’ ય જમાનો આવી જાય.”
“નફ્ફટ..! નપાવટ..! તું એવું કાંઈજ નહીં કરે.”
દીપમાલાએ રોષભેર કહ્યું અને ત્યાંથી ચાલતી પકડી.
લવજીની કરડી નજર દીપમાલાની પીઠનો પીછો કરી રહી હતી. અને હોઠ પર મર્માળું હાસ્ય રમી રહ્યુ હતું.
નયનનાં રૂમમાં દીપમાલાએ પગ મૂક્યો કે.. રોશની સામે આવી..
“ આન્ટી..! શું કામ હતું એને..? શા માટે બહાર બોલાવ્યા હતાં..? કાંઈ ધાક ધમકી..!”
“ના બેટા..! એવું કાંઈ નથી.”
હવે રોશનીનો ઉચ્ચક જીવ હેઠો બેઠો.
પણ..! નયનને નિંરાત નહોંતી.
“પણ.. મમ્મી..! તને એ ઓળખે છે..?”
“ના બેટા..! એ મને કેમનું ઓળખે..?”
દીપમાલાએ નજર નીચી કરી જવાબ આપ્યો.
“ તો પછી.. તારૂ કામ એમને શું પડયું…? અને એ ‘ય તે દવાખાનામાં..?
મમ્મી..! તું કાંઈ અમારાથી છૂપાવી રહી છે.”
“અરે.. બેટા..! મારે કોનાંથી.. અને શા માટે છૂપાવવું પડે..!?”“ છતાંય આન્ટી..! તમારી જીભને તમારી નજર સાથ આપી રહી નથી.”
રોશનીને’ ય દાળમાં કંઈક કાળું હોવાની શંકા પડી.
“ અરે.. અરે..! તમે બન્ને ગોહીલ મેડમનો રોલ કેમ ભજવો છો..??”દીપમાલાબેને સાડી સંકોરતા કહ્યું.
મોતીભાઈ ચૂપચાપ બધું સાંભળી – જોઈ રહ્યા હતાં.
“ પપ્પા..! તમને શું લાગે છે..? મમ્મીનાં ચહેરાનો રંગ ફરી નથી ગયો..!?મમ્મીને તમે આવી રીતે વાત કરતાં ક્યારેય જોઈ છે..?” નયને વાતનું એન્ટેના પપ્પા તરફ ફેરવતાં કહ્યું.
“ જો બેટા..! તારી મમ્મી રાજકારણીની દીકરી ખરી. પણ..! રાજકારણનો છાંટો’ય મે એનામાં ભાળ્યો નથી. રહી વાત અત્યારની. તો.. મને’ ય અત્યારે બધું બરોબર લાગી રહ્યું નથી. પણ.. શું વાત છે, ઈ તો તારી મમ્મી જ જાણે. બોલને દીપમાલા..! કશું અજુગતું તો નથી ને..!??”
મોતીભાઈએ વાતમાં પાછી દીપમાલાને ઢસડી.
પરંતુ.. હવે ક્યાં દીપમાલાના હૈયામાં બોલવાની હામ રહી હતી..?બાકીનું કામ આંખોએ કર્યું. ચોધાર આંસુડાની ધાર દીપમાલાનાની વહારે આવી.
આ જોઈને રોશનીને દુઃખ થઈ રહ્યું હતું. ક્યાંક ખોટું થઈ રહ્યાની આગ ધૂંધવાઈ રહી હતી. પણ..! પણ..! શું..!??
એમણે રૂમમાંથી બહાર આવી ગોહીલ મેડમને ફોન જોડયો.“હેલો.. રોશની..! તારે મનને ટાઢક વળે એવું કાંઈ સાંભળવું છે..?”
સામેથી અવાજ આવ્યો.
રોશનીને મને – કમને હા પાડવી પડી. અને અહીંની વાત કરવાં કરેલો ફોન ત્યાંની ઘટનાની ધડાધડ સાંભળવા કાને રાખવો પડ્યો.ગોહીલ મેડમનો અવાજ આવી રહયો હતો.
“સાલાઓ.. કોલેજમાં ભણવા જાવ છો..!? કે મારામારી કરવાં..? આ ડંડાની ઓળખાણ થઈ છે પેલા..?”
“ ઓ માડી.. રે..! ઓ.. બાપા..રે..! આટલું જોરથી કોઈ મારતું હશે..?” “હું મારું છું ને..! હજી જોવું છે..?
બાપાની યાદ આવે છે..? સા.. લા..! માથા ફરેલાં બાપની બગડેલી ઔલાદ..!
બી.પી.એલ. છો એમને..!? (બાપનાં પૈસે લીલા લે’ર)
સાલાઓ..! છોકરીઓને કોલેજ છોડાવી દો છો..? તમારે ઘરે મા બેન છે.. કે નથી..?”ધડામ.. ધડામ..!
“ ઓ.. માડી રે..!! ઓ મેડમ..! તમે મારા બાપને ઓળખતાં નથી. હમણાં આવશે ને તો શોધ્યા’ ય નહીં જડો. અને આ લંકેશ અહીં કેટલાં કલાક રહેશે..?”
લંકેશે એમની શેખી હાંકી.પરંતુ
આભાર – નિહારીકા રવિયા ગોહીલ મેડમ અઘરી માટીનાં બનેલાં હતાં.“ એ..’ ય વંઠેલ ફરજંદ..! કલાક નહીં..! દિવસ નહીં..! હવે તો તું મહિનાંઓની ગણતરી કરવાં માંડ. તારો બાપ ઊંધો થાય કે ચતો થાય. ઉપર જાય કે.. એની’ ય ઉપર જાય. મારી આગળ એની દાળ ગળવાની નથી.
મે આવું અઘરું પોસ્ટીંગ તમારાં જેવાં માટે જ લીધું છે.
એ.. હવાલદાર..! મારો સાલાઓને..! જ્યાં સુધી એ બોલવાનું બંધ ના કરે ને ત્યાં સુધી મારો.. એની તો……”
રોશનીને અંદરથી ગલગલિયાં થતાં હતાં. પણ.. ચહેરા ઉપર ચિંતાની લકીર ત્રાગું કરીને બેઠી હતી.
“ મેડમ, આ કામ તો તમે ખૂબ ખૂબ સારૂ કર્યું છે. પણ..!”
“ પણ..! શું..!? રોશની..! કોઈ ગરબડ..?” ગોહીલ મેડમ એક શ્વાસે બોલી ગયાં.“ મેડમ..! લંકેશનો બાપ અહીં આવ્યો’ તો.”“ તો શું..? કંઈ ધાક ધમકી..?”
“ધાક ધમકી તો હવે અસર કરે એમ નથી.
એટલે સાલાએ બીજો રસ્તો અપનાવ્યો છે.”
“ બીજો રસ્તો..? પણ.. શું..!??”
મેડમને આવો છાકો પાડવાનો મોકો જવા દેવો નહોંતો.
બગાસું ખાતાં પતાસું મોઢામાં મતલબ હાથમાં આવ્યું હતું. પે’ લો ‘ઘા’ રાણાનો જ કરવાનું મન મનાવી લીધું હતું.
ખબર નથી પડી રહી કે.. એ આ નવી ચાલ શું છે..?
રોશનીએ દીપમાલાબેન સાથે બનેલી ઘટનાં કહી સંભળાવી..“ હા પણ એનું શું છે..?”
ગોહીલ મેડમ ખરેખર અધીરા બની ગયાં.
“વાત જાણે એમ છે કે.. આન્ટી એને મળીને આવ્યાં ને સતત રડયે જ રાખે છે. શાંત પડવાનું નામ જ નથી લઈ રહયાં. કે નથી કશું બોલી રહયાં.” “રોશની..! આતો મો.. ટી મૂસીબત કહેવાય..! કોઈ કશું કહે તો રસ્તો નીકળે.
આતો ‘કોથળામાં પાંચશેરી’ મારવાની વાત થઈ.
રોશની..! તમે ગમેતેમ કરીને એને શાંત પાડવાની કોશિશ કરો. હું હમણાં ત્યાં આવું છું.”
મારતે ઘોડે યાની પોલીસ જીપમાં ૧૨૦ ની સ્પીડે ગોહીલ મેડમ દવાખાને આવી પોગ્યા.
મેડમનાં છાકાને દવાખાનું ‘ય ઓળખી ગયું હોય તેમ એ ય સન્નાટામાં પોઢી ગયું.
સુનકાર ચીરતો મેડમનાં બુટનો અવાજ ઠક.. ઠક.., ઠક.. ઠક.. દરેકને સંભળાયો.
અવાજ સાંભળીને રોશની રૂમની બહાર આવી. દીપમાલાબેન હજીય આંસુ વહાવી રહ્યા હતા.
દવાખાનાનાં મેઈન હોલમાં કેસ લખવાનાં કાઉન્ટરથી ઉપર જ ટી.વી. ધીમું.. ધીમું.. વાગી રહયું હતું.
અચાનક..! એક જોરદાર બ્રેકિંગ ન્યૂઝના અવાજનાં ધક્કાથી ગોહીલ મેડમ અને રોશનીનાં કાન એકસાથે ચમક્યાં અને નજર ટી. વી. સ્ક્રીન તરફ ફંટાઈ..
“બ્રેકિંગ ન્યૂઝ..! બ્રેકિંગ ન્યૂઝ..!”
અઢાર ઓગણીસ વર્ષની એક સુંદર મેકઅપનો ખજાનો ચોપડીને બેઠેલી છોકરી. જોર જોરથી બોલી રહી હતી.
“બ્રેકિંગ ન્યૂઝ..! બ્રેકિંગ ન્યૂઝ..! શહેરનાં જાણીતા અને સત્તાધારી પક્ષ સાથે જોડાયેલા એક મોટા ગજાનાં નેતાના. પંથકમાં પંકાયેલા છોકરાની ધરપકડ..!
અમારા આધારભૂત સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસ બેડામાં નવાં નવાં આવેલાં પી.એસ.આઈ. ગોહીલ મેડમે આ લંકેશ નામનાં છોકરાની ધરપકડ કરીને સનસનાટી મચાવી દીધી છે.
સારા સારા પોલીસવાળા જેને સલામ ભરે. એજ પરિવાર સાથે ગોહીલ મેડમે જાણે પંગો લીધો છે.
વધારે મળતી માહિતી અનુસાર આ લંકેશ છોકરીઓની છેડતી કરવામાં પંકાયેલો છે અને આજ કારણસર મામલો મારામારી સુધી પહોંચી ગયો છે.
અત્યારે તો પોલીસ ખાતાની અને ગોહીલ મેડમની વાહવાહી થઈ રહી છે.
પરંતુ..! હવે જોવાનું એ રહે છે કે.. આ લંકેશને ક્યાં સુધી જેલની હવા ખાવી પડશે..!? એનો વગદાર બાપ ખાતા ઉપર કોનું કોનું અને કેટલું પ્રેશર લાવે છે..!
ગોહીલ મેડમનો મનસૂબો કેટલો અને કેવો પાર પડે છે..!
દર્શક મિત્રો..! આજ કેસની વધુ વિગત માટે જોડાયેલા રહેજો. ક્યાંય જતાં નહીં.
નાનકડાં બ્રેક પછી તરત જ પાછા મળશું.”
ગજ ગજ છાતી ફૂલાવતા ગોહીલ મેડમ નયનનાં રૂમ તરફ આગળ વધ્યાં.
રોશની પણ લગભગ એકાદ ફૂટ જમીનથી અધ્ધર ચાલવાં લાગી. ગોહીલ મેડમની પાછળ પાછળ એ પણ રૂમની અંદર ગઈ.. આખા રૂમની હાલત હજી એજ સ્થિતિ પરિસ્થિતિ હતી.
દીપમાલાબેન બોલી રહ્યા ન હતા. પરંતુ એમનાં આંસુ બોલી રહ્યા હતા.“વિધિની વક્રતા તો જૂઓ.. આટ – આટલાં વર્ષો પછી વિધાતાનું વિધાન સામે આવીને ઊભું રહી ગયું.
મારી હાલત તો’ ન સહેવાય, ન રહેવાય’ એવી થઈ ગઈ છે.વિધાતાનાં લેખ કોઇ વાંચી શકતું નથી. એ તો સાંભળ્યું તું. પણ..! હું તો બોલી ‘ય શકતી નથી. આ કેવું વિધાન છે..?
વિધાતા..! મારાં જીવનમાં આ મોટું પહેલું વિધાન છે..? કે પછી છેલ્લું.અત્યાર સુધી તો આંસુએ મારી લાજ રાખી છે. પરંતુ.. હવે તો પોલીસ પૂછ-પરછ કરશે તો શું કરીશ..!?
સાચું કહીશ તો મારે મરવાં બરાબર થશે.તો.. શું મારે એ પગલું ભરવું જોઈએ..?”છન્નાટો આખાં રૂમને વીંટળાઈને પડ્યો હતો. કડકાઈનું ઘર જ પોલીસની જીભ. છતાંય.. મેડમે લાગણી ભેગી કરી શકાય એટલી લાગણીને બાથ ભરી દીપમાલાબેનનાં ખભે હાથ મૂકીને કહ્યું.“ મોટા બેન..! તમે કાંઈ બોલશો તો રસ્તો
નીકળશે.”
આટલું સાંભળતાંજ દીપમાલાબેને બાથરૂમ તરફ દોટ મૂકી અને અંદરથી દરવાજો બંધ કરી દીધો.રૂમનો છન્નાટો ગોદડા લઈને ભાગ્યો.કોલાહલથી આખો રૂમ ભરાઈ ગયો.બધા જ બાથરૂમનું બારણું થપથપાવવા લાગ્યા.(ક્રમશઃ)