ગોવાના પોરિયમ વિધાનસભા ક્ષેત્રના ભાજપના નેતા વિશ્વજીત કૃષ્ણરાવ રાણે મંગળવારે અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. સૂત્રોએ આ માહિતી આપી હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ મંગળવારથી ગોવાની બે દિવસીય મુલાકાતે છે. તેઓ મંગળવારે બપોરે ૨ વાગ્યે ગોવા પહોંચશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી થોડા મહિના જ બાકી છે અને આ મહિનામાં કેજરીવાલની આ ત્રીજી મુલાકાત હશે.
રાણે મંગળવારે સાંજે ૭ વાગે આમ આદમી પાર્ટીમાં જોડાશે. એટલું જ નહીં તેમના સેંકડો સમર્થકો પણ તેમની સાથે હશે.ગોવા વિધાનસભા ચૂંટણીમાં ૪૦ ધારાસભ્યો છે, જેમાંથી ભાજપ પાસે ૧૭ અને કોંગ્રેસ પાસે ૧૫ ધારાસભ્યો છે. હાલમાં, મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટીના ધારાસભ્યો, ગોવા ફોરવર્ડ પાર્ટીના વિજય સરદેસાઈ અને ત્રણ અપક્ષ ઉમેદવારોના સમર્થન સાથે રાજ્યમાં ભાજપની સરકાર છે.આમ આદમી પાર્ટી સિવાય આ વખતે ગોવામાં તૃણમૂલ કોંગ્રેસ પણ મેદાનમાં છે. આમ આદમી પાર્ટી ત્યાં સતત પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે ગોવા વિધાનસભા ચૂંટણીમાં આ વખતે ખરાખરીનો જંગ જોવા મળશે. આ વખતે કેજરીવાલ અને મમતા બેનર્જી પણ ગોવામાં પોતાની પાર્ટી માટે રણનીતિ અપનાવી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ અત્યાર સુધી સીધી ટક્કર થતી હતી પરતું હવે ચાર પાર્ટી વચ્ચે સીધો મુકાબલો થશે.