મસાજ પાર્લરની આડમાં વિકસી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે ગોવા સરકારે કડક પગલાં લીધાં છે. જો તમે ગોવા ફરવા નહીં, પરંતુ માત્ર મસાજ માટે જાવ તો સાવધાન થઈ જાવ. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે રાજ્યની પોલીસને ગેરકાયદે બોડી મસાજ પાર્લરો સામે કાર્યવાહી શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. સાવંતે રવિવારે રાજ્યની રાજધાની પણજીપણજી નજીક સ્થિત કાલંગુટ પોલીસ સ્ટેશન અને કાલંગુટ બીચની મુલાકાત લીધી હતી અને કેટલાક પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ સાથે સાવંતે કહ્યું કે તમામ મસાજ પાર્લરો પર પ્રતિબંધ મુકવો જાઈએ. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું કે ક્રોસ મસાજ (પુરુષોને મસાજ કરતી મહિલાઓ અને તેનાથી વિપરીત) પણ મંજૂરી આપવામાં આવશે નહીં. જણાવી દઈએ કે ઉત્તર ગોવાના માપુસા શહેરમાં મસાજ પાર્લર સંચાલકો દ્વારા મહારાષ્ટ્રના ૧૧ પ્રવાસીઓને નિર્દયતાથી માર મારવામાં આવ્યા બાદ સરકાર એક્શનમાં આવી છે.
મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતે મીડિયાને જણાવ્યું હતું કે, “મેં ગોવા પોલીસને રાજ્યભરમાં ગેરકાયદેસર મસાજ પાર્લરો સામે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.” સાવંતે કહ્યું કે હવેથી પોલીસ ઈન્સ્પેક્ટર તેમના અધિકારક્ષેત્રમાં ચાલતા કોઈપણ ગેરકાયદે પાર્લર માટે જવાબદાર રહેશે. આવા ગેરકાયદે પાર્લરો બંધ કરવામાં નિષ્ફળ રહેલા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે રાજ્યના પોલીસ કર્મચારીઓ ટૂંક સમયમાં દરિયાકિનારાની નજીક સિવિલ ડ્રેસમાં પેટ્રોલિંગ શરૂ કરશે. ગયા મહિને, ગોવા પોલીસે પાડોશી મહારાષ્ટÙના કોલ્હાપુરના પ્રવાસીઓ પર હુમલો કરવા અને લૂંટવાના આરોપસર માપુસા શહેરમાં એક બ્યુટી પાર્લરના ત્રણ પુરુષો અને ઘણી મહિલા કર્મચારીઓની ધરપકડ કરી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ અગાઉ કહ્યું હતું કે ધરપકડ કરાયેલ મહિલાઓએ મૂળ નેપાળના આ પ્રવાસીઓની નગ્ન તસવીરો વાયરલ કરવાની ધમકી આપી હતી.
સીએમ સાવંતે કહ્યું કે સરકારે માત્ર આયુર્વેદ સ્પા સેન્ટરને મસાજનું લાઇસન્સ આપ્યું છે. પરંતુ કેટલાક લોકો સ્વાસ્થ્ય સેવાની આડમાં બ્યુટી પાર્લરની અંદર ખોટી માનસિકતા સાથે ગેરકાયદેસર રીતે મસાજ પાર્લર ચલાવી રહ્યા છે. સીએમએ કહ્યું કે આ મસાજ પાર્લરની આડમાં ખોટા કામો પણ થઈ રહ્યા છે. આવા પાર્લરો કડક રીતે બંધ કરવામાં આવશે.