ભારતીય હવામાન વિભાગની આગાહીના થોડા દિવસોના વિલંબ સાથે દક્ષિણ પશ્ચિમ ચોમાસું આખરે શુક્રવારે ગોવામાં પહોંચ્યું. શુક્રવાર સવારથી જ ગોવાના બંને જિલ્લા – ઉત્તર ગોવા અને દક્ષિણ ગોવામાં ચોમાસાની અસર જોવા મળી હતી અને સતત વરસાદ પડ્યો હતો.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૧૦ જૂનના રોજ, ચોમાસાએ મધ્ય અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો તેમજ સમગ્ર ગોવા અને તેની આસપાસના કેટલાક કોંકણ વિસ્તારોમાં પ્રગતિ કરી છે. જેના કારણે આ વિસ્તારોમાં આગામી ૩-૪ દિવસ સુધી મુશળધાર વરસાદની સંભાવના છે. આ દરમિયાન લગભગ ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.
ગોવા સરકારે ૧ જૂનથી ઊંડા સમુદ્રમાં માછીમારી પર પ્રતિબંધ મૂક્યો છે. તેમ છતાં ભારતીય હવામાન વિભાગે માછીમારોને ૧૪ જૂન સુધી દરિયામાં બિલકુલ ન જવાની સલાહ આપી છે. ૈંસ્ડ્ઢ અનુસાર, હવે ચોમાસું મહારાષ્ટ્રના બાકીના ભાગો તરફ ઝડપથી આગળ વધશે.
દક્ષિણપશ્ચિમ ચોમાસું મધ્ય અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગોમાં આગળ વધ્યું છે, જેમાં સમગ્ર ગોવા, કોંકણના ભાગો અને કર્ણાટકના કેટલાક વધુ ભાગોનો સમાવેશ થાય છે. આગામી ૫ દિવસ દરમિયાન ઉત્તરપૂર્વ ભારત અને પેટા-હિમાલય પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.