અમરેલી જિલ્લામાં સિંહોના મોતની ઘટનાઓ સામાન્ય બની ગઇ છે. અવારનવાર સિંહોને વાહનો દ્વારા અડફેટે લીધાની ઘટનાઓ સામે આવે છે. આવી વધુ એક ઘટના સામે આવી છે. જેમાં સાવરકુંડલાના ગોરડકા પાસે અજાણ્યા વાહને સિંહને અડફેટમાં લેતા સિંહનું મોત થયું હતું. જિલ્લામાં આ અગાઉ પણ આવી ઘટનાઓ બની ચૂકી છે અને વનતંત્ર એક પણ કિસ્સામાં અકસ્માત સર્જનારને શોધી શકી નથી. આ પરિÂસ્થતિને લઇ સિંહપ્રેમીઓમાં પણ રોષની લાગણી પ્રસરી છે. આજે વહેલી સવારે ગોરડકા નજીક વાહનની અડફેટે સિંહનું મોત થતા વનવિભાગ ઘટના સ્થળ પર દોડી ગયો હતો અનેમૃતદેહનો કબજા લઇ તપાસ હાથ ધરી હતી. વનવિભાગે સિંહ પર કોઇ મોટું વાહન ચાલી ગયાની પ્રાથમિક આશંકા દર્શાવી હતી. વધુ તપાસ માટે સિંહના મૃતદેહને એનિમલ કેર સેન્ટરમાં પી.એમ. માટે મોકલવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ સિંહોની સંખ્યા અમરેલી જિલ્લામાં છે અને એક પછી એક સિંહ ટપોટપ મોતને ભેટતા હોય, એ ચિંતાનો વિષય છે. વનવિભાગ સિંહની સુરક્ષા કરવામાં નિષ્ફળ નિવડ્યાનો પણ લોકોમાં ગણગણાટ થઇ રહ્યો છે.