તાજેતરમાં વિસાવદર ખાતે યોજાયેલી પેટાચૂંટણીમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપના મામલે રાજકારણ ગરમાયું છે.ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સામે રૂ.૧૦ કરોડનો બદનક્ષીનો દાવો કરતા ગુજરાતના રાજકારણમાં હડકંપ મચી ગયો છે. આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા પર આર્થિક બાબતોને લઈને ખોટા આક્ષેપો કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. લલિત વસોયાએ પોતાના એડવોકેટ દિનેશભાઈ વોરા મારફતે ગોપાલભાઈ ગોરધનભાઈ ઇટાલિયા સામે રૂ.૧૦ કરોડની બદનક્ષીનો દાવો કરતી નોટિસ પાઠવી છે. નોટિસમાં જણાવ્યા મુજબ, પૂર્વ ધારાસભ્ય વસોયાને વિસાવદર પેટાચૂંટણીમાં કોંગ્રેસના પ્રચારક તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. આ દરમિયાન લલિત વસોયા વિસાવદર ખાતેની સાયોના હોટલમાં રોકાયા હતા, જ્યાં આમ આદમી પાર્ટી તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પણ રોકાયેલા હતા. નોટિસમાં વધુમાં જણાવાયું છે કે, ચૂંટણી દરમિયાન પ્રચાર કાર્ય ચાલતું હોય ત્યારે ચૂંટણી જીતવા માટે ધારાસભ્ય લલિત વસોયાની છબી ખરડાય, તેમને વ્યક્તિગત નુકસાન થાય અને તેમની માનહાનિ થાય તે પ્રકારે સ્ટિંગ ઓપરેશન કરી, ખોટા સ્ટંટ કરી છબી ખરડાઈ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.








































