પંચમહાલ જિલ્લામાં ગોધરા નજીક એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી છે, જેમાં એક ડ્રાઈવરની સમયસૂચકતા અને તત્કાલ નિર્ણયશક્તિએ અનેક લોકોના જીવ બચાવ્યા. આ ઘટના ગોધરાથી આણંદ તરફ જતી એક મેમુ ટ્રેન સાથે બની હતી.ચોમાસાની ઋતુમાં ભારે વરસાદના કારણે રેલવે ટ્રેકનું ધોવાણ થઈ રહ્યું છે. આવી જ એક ઘટના ટીંબા રેલવે સ્ટેશન નજીક બની હતી, જ્યાં ભારે વરસાદને કારણે રેલવે ટ્રેકનું મોટું ધોવાણ થયું હતું. આ સમયે, ગોધરાથી આણંદ તરફ જઈ રહેલી મેમુ ટ્રેનના પાયલોટને આ ટ્રેકના ધોવાણનો ખ્યાલ આવ્યો. તેમણે તત્કાલ પરિસ્થિતનું મૂલ્યાંકન કરીને ટ્રેનને સમયસર રોકી દીધી, જેના કારણે કોઈ મોટી દુર્ઘટના થઈ હીં.પાયલોટે ટ્રેન થોભાવીને રેલવેના ઉચ્ચ અધિકારીઓને આ ઘટનાની જાણ કરી. તત્કાલ રેલવેના કર્મચારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી. તેમણે ટ્રેક પર થયેલા ધોવાણને સુધારવા માટે તાત્કાલિક મેટલનું પુરાણ શરૂ કર્યું. થોડા સમયમાં જ ટ્રેકને ફરીથી સુરક્ષિત બનાવવામાં આવ્યો, જેના બાદ મેમુ ટ્રેનને આગળ વધારવામાં આવી.આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે મુસાફરી દરમિયાન પાયલોટની સમયસૂચકતા કેટલી મહત્વની હોય છે. તેમની તત્કાલ નિર્ણયશક્તિએ એક સંભવિત મોટી દુર્ઘટનાને ટાળી, જેનાથી અનેક મુસાફરોના જીવ બચી ગયા. આ પાયલોટની ફરજપાલન અને સમજદારી ખરેખર પ્રશંસાને પાત્ર છે.