ગોધરા ઘટનાના બે દાયકા પછી હાઈકોર્ટે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં પેટ્રોલિંગમાં બેદરકારી બદલ ૯ રેલવે પોલીસ કર્મચારીઓને ફરજ પરથી દૂર કરવાના નિર્ણયને માન્ય રાખ્યો છે. નિર્ણયમાં, હાઈકોર્ટના જસ્ટીસ વૈભવીબેન નાણાવટીએ પોલીસકર્મીઓની અરજી ફગાવી દેતા કહ્યું કે જો અરજદાર પોલીસકર્મીઓ સાબરમતી ટ્રેનમાં અમદાવાદ ગયા હોત તો ગોધરા ઘટના ટાળી શકાઈ હોત.
અરજદારોએ તેમની ફરજા અને જવાબદારીઓ પ્રત્યે ઘોર બેદરકારી દાખવી છે. ૯ અરજદારો કે જેઓ તે સમયે રેલવે પોલીસમાં કાર્યરત હતા. તેમને સાબરમતી એક્સપ્રેસમાં પેટ્રોલિંગ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ આ ટ્રેન મોડી હોવાથી, તેઓ બીજી ટ્રેન દ્વારા અમદાવાદ વહેલા પહોંચી ગયા હતા. ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ અરજદારો સાબરમતી એક્સપ્રેસમાં ફરજ પર હતા. ટ્રેનનાં જી-૬ કોચમાં આગ લગાવવામાં આવી હતી, જેના પરિણામે અયોધ્યાથી પરત ફરી રહેલા કાર સેવકો સહિત ૫૯ મુસાફરોના મોત થયા હતા.
આ ભયાનક ઘટના બાદ, રાજ્યભરમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા અને બે મહિના સુધી ચાલુ રહ્યા હતા. ફરજમાં બેદરકારી બદલ ૯ પોલીસકર્મીઓને સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. ગુલાબસિંહ ઝાલા, ખુમાનસિંહ રાઠોડ, નાથાભાઈ ડાભી, વિનોદ બીજલભાઈ, જબીરહાસુન શેખ, રસિકભાઈ પરમાર, કિશોરભાઈ પરમાર, કિશોરભાઈ પટણી અને પુનાભાઈ બારિયા રેલવે પોલીસમાં ફરજ બજાવતા હતા અને તેમને ૧ માર્ચ, ૨૦૦૨ ના રોજ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ, તેમની સામે વિભાગીય તપાસ હાથ ધરવામાં આવી હતી અને નવેમ્બર ૨૦૦૫ માં તેમને સેવામાંથી દૂર કરવામાં આવ્યા હતા. જેની સામે તેમણે અપીલ કરી હતી પરંતુ તે અપીલ પણ ફગાવી દેવામાં આવી હતી.આ પછી, અરજદાર પોલીસકર્મીઓએ તેમને સેવામાંથી દૂર કરવાના નિર્ણય સામે હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ કરી. જેમાં તેમના વતી દલીલ કરવામાં આવી હતી કે તેમની ફરજ કાલુપુર અને દાહોદ રેલ્વે સ્ટેશનો વચ્ચે પેટ્રોલિંગ કરવાની છે. તેઓ રાજકોટ ભોપાલ એક્સપ્રેસ દ્વારા દાહોદ પહોંચ્યા હતા અને દાહોદથી અમદાવાદ જવા માટે તેમને સાબરમતી એક્સપ્રેસમાં ચઢવાનું હતું. જોકે, સાબરમતી એક્સપ્રેસ મોડી હોવાથી શાંતિ એક્સપ્રેસમાં બેસી અમદાવાદ પહોંચ્યા હતા. અમદાવાદ પહોંચ્યા પછી, તેમને ખબર પડી હતી કે સાબરમતી એક્સપ્રેસના જી-૬ કોચમાં આગ લાગી ગઈ છે.
સરકારે દલીલ કરતા જણાવ્યું હતું કે, ‘આ પોલીસકર્મીઓએ ફરજ ટાળવા માટે બીજી ટ્રેન જ નહીં, પણ દાહોદ સ્ટેશન પર ખોટી એન્ટ્રી પણ કરી હતી, જેના કારણે કંટ્રોલ રૂમમાં ખોટી માહિતી મોકલી હતી કે ટ્રેનમાં સુરક્ષા હાજર છે. સાબરમતી એક્સપ્રેસને એ શ્રેણી’માં મૂકવામાં આવી હતી, જ્યાં ચેઇન પુલિંગ, ઝઘડા અને અન્ય ગુનાઓ વારંવાર બનતા હોય છે, તેથી સુરક્ષા ટીમ હોવી ફરજિયાત હતી.અરજદારોની અરજી ફગાવી દેતા, હાઇકોર્ટના જસ્ટીસ વૈભવી નાણાવટીએ ચુકાદો આપ્યો હતો કે, ‘અરજદારો શાંતિ એક્સપ્રેસ દ્વારા અમદાવાદ આવ્યા હતા અને રજિસ્ટરમાં ખોટી એન્ટ્રીઓ કરી હતી.’ જો અરજદારે અમદાવાદ પહોંચવા માટે સાબરમતી એક્સપ્રેસમાં મુસાફરી કરી હોત, તો ગોધરામાં બનેલી ઘટના રોકી શકાઈ હોત. અરજદારોએ તેમની ફરજા પ્રત્યે બેદરકારી દાખવી છે. ઉપરોક્ત આરોપો સાબિત થયા છે. ઉપરોક્ત આરોપોને ધ્યાનમાં રાખીને, તેમને સેવામાંથી બરતરફ કરવાનો આદેશ પસાર કરવામાં આવ્યો હતો. તેમના પર ગુનાહિત કાવતરું રચવાનો આરોપ મૂકવામાં આવ્યો નથી.