લીલીયા તાલુકાના ગોઢાવદર ગામના વણકરવાસમાં રહેતી મહિલાઓએ પીવાના પાણીના પ્રશ્ને મામલતદાર કચેરી અને તાલુકા વિકાસ અધિકારીની કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરી વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરીને ન્યાય આપવા વિનંતી કરી છે. મહિલાઓએ જણાવ્યું કે છેલ્લા ઘણા દિવસોથી તેમના વિસ્તારમાં પીવાનું પાણી મળતું નથી. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, વણકરવાસમાં કાળુભારનું પાણી મળતું નથી. આ બાબતે ગામના સરપંચને અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. વધુમાં, ગામના વાલ્વમેનને રજૂઆત કરતાં તે ઉદ્ધતાઈભર્યા જવાબો આપે છે. મહિલાઓએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે ગામની પાણી સમિતિના રૂપિયા ગામમાં મુકેલા કેમેરા તેમજ પંચાયત ઓફિસમાં છઝ્ર લગાવવા માટે વાપરવામાં આવે છે, જેના કારણે પાણીની લાઇનના રિપેરિંગ માટે ભંડોળ નથી. પ્રશ્ન હલ નહી થાય તો ઉપવાસ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે તેમ ઇમરાન પઠાણની અખબારી યાદી જણાવે છે.









































