ગોંડલ પોલીસને એક અજાણ્યા શખ્સે ફોન દ્વારા ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપતા શહેરમાં ચર્ચા સાથે ચકચાર મચી જવા પામી છે. જ્યારે જનતાના રક્ષકોને જ આવી રીતે ખુલ્લેઆમ ધમકીઓ આપવામાં આવતી હોય ત્યારે સામાન્ય જનતાની સુરક્ષાની જવાબદારી કોની? જેથી આવા માથાભારે શખ્સોને ઉગતા જ ડામી દેવા જરૂરી છે.
આ અંગેની મળતી માહિતી મુજબ ગોંડલ સિટી પોલીસ મથકના લેન્ડલાઈન ઉપર રાજેન્દ્રસિંહ દશરથસિંહ ઝાલા નામના શખ્સે મોબાઇલથી ફોન કરી જેમ ફાવે તેમ ગાળો ભાંડી હતી અને ગોંડલ આવીને બધા પોલીસને ગોળી મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે ઉપરોક્ત આરોપી વિરૂધ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવ અંગે સીટી પોલીસ ઇન્સ્પેક્ટર મહેશ સંગાડાએ જણાવ્યું હતું કે, પોલીસ મથકના લોકલ નંબર ઉપર રાજેન્દ્રસિંહ ઝાલા નામનો શખ્સ ગાળો ભાંડી ધમકી આપતો હતો જેની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે સામાન્ય માણસને પોલીસ મથકમાં ફોન કરવો હોય તો પણ દસ વખત વિચાર કરવો પડતો હોય છે ત્યારે કેટલાક ગુનેગારો બેફામ બન્યા હોય એમ પોલીસને જ ધમકી આપવા લાગ્યા છે. હાલમાં ગ્રામ પંચાયતની ચૂંટણી ચાલી રહી છે. ત્યારે આવી ઘટના બનતા સુરક્ષા ઉપર પ્રશ્નાર્થ ઉઠવા પામ્યો છે.